અમદાવાદ, 20 માર્ચઃ એવીપી ઈન્ફ્રાકોનના એસએમઈ આઈપીઓએ આજે 5 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકા લોઅર સર્કિટ વાગી હતી. એનએસઈ એસએમઈ ખાતે રૂ. 75ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 79ના સ્તરે લિસ્ટેડ થયા બાદ ઘટી 75.05નુ સ્તર નોંધાવ્યુ હતું. શેરબજારની વોલેટિલિટી અને કરેક્શનના માહોલના પગલે એવીપી ઈન્ફ્રાકોન લિસ્ટિંગ સમયે મબલક રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં એવીપી ઈન્ફ્રાકોન માટે રૂ. 15 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેના આધારે નિષ્ણાતોને લિસ્ટિંગ 20થી 25 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ હતો. જો કે, નિરાશાજનક લિસ્ટિંગ જોવા મળ્યુ હતું.

એવીપી ઈન્ફ્રાકોને 13થી 15 માર્ચ દરમિયાન રૂ. 71-75ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 52.34 કરોડનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. જેમાં એન્કર રોકાણકારો પાસેથી કુલ રૂ. 14.03 કરોડનું ફંડ એકઠું કર્યુ હતું. ઈશ્યૂ કુલ 21.45 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 1.05 ગણો, એનઆઈઆઈ 46.15 ગણો અને રિટેલ 22.49 ગણો સબ્સક્રાઈબ થયો હતો.

કંપની બિલ ઓફ ક્વોન્ટિટીઝના આધારે રોડ પ્રોજેક્ટ્સનું બાંધકામ, એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ, ઈપીસી સહિતના સેગમેન્ટમાં 2009થી કાર્યરત છે. જેણે જાન્યુઆરી-24 સુધી કંપનીએ કુલ રૂ. 313.21 કરોડના 40 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. કંપની તમિલનાડુમાં રોડ, બ્રિજ, સિંચાઈ યોજનાઓ, કેનાલ પ્રોજેક્ટ, ફ્લાયઓવર, ઈન્ડસ્ટ્રીયલ એરિયા સહિતના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

કંપની કેપિટલ ઈક્વિપમેન્ટની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, જનરલ કોર્પોરેટ હેતુઓ તેમજ પબ્લિક ઈશ્યૂ ખર્ચને પહોંચી વળવા એકત્રિત ફંડનો ઉપયોગ કરશે.