ચાર વર્ષમાં ગુજરાતના 14 કરોડ લોકોને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો
નવી દિલ્હી, 28 માર્ચ: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 25 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ઉપરોક્ત માહિતી આપી હતી.

ગુજરાતમાં નાણાકીય વર્ષ 2021-22માં PM-GKAY હેઠળ 3.45 કરોડ લોકોને લાભ મળ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં લાભાર્થીઓની સંખ્યા 3.44 કરોડ, નાણાકીય વર્ષ 2023-24માં 3.52 કરોડ અને નાણાકીય વર્ષ 2024-25માં આ સંખ્યા 3.68 (28 ફેબ્રુઆરી 2025 સુધીમાં) રહી હતી. ઉપરાંત ભારત સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન PM-GKAY હેઠળ રાજ્યમાં અનાજ પહોંચાડવાના તથા હેન્ડલિંગ ખર્ચ અને વાજબી ભાવની દુકાનના સંચાલકોના માર્જિનના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય એજન્સીઓને સહાય તરીકે ગુજરાતને રૂ. 694 કરોડ પણ આપ્યા છે.
ભારત સરકારે છેલ્લા ચાર વર્ષમાં PM-GKAY માટે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે અને ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઇ)ને રૂ. 67,53,77.7 અને ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ (ડીસીપી)માં ભાગ લેનારા રાજ્યોને રૂ. 2,94,236.39 ફાળવ્યા છે.
નથવાણી દેશમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના યોજના હેઠળ લાભ મેળવનારા લોકોની સંખ્યા અને રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અને અંત્યોદય અન્ન યોજના (AAY) માટે ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો જાણવા માંગતા હતા. PM-GKAY હેઠળ ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% સુધી, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 81.35 કરોડ લોકોને મફત અનાજ મેળવવા માટે આવરી લેવાનું લક્ષ્ય છે. નિવેદન મુજબ હાલમાં લગભગ 80.56 કરોડ લાભાર્થીઓ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.