ભારતમાં આર્થિક અસમાનતા દર આસમાને સ્પર્શી રહ્યો છે

  • દેશની કુલ સંપત્તિમાં ટોચના 10 ટકા ધનિકોની સંપત્તિનો હિસ્સો 72.5 ટકા
  • 10 લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતાં મિલિયોનર્સની સંખ્યા 2020માં 6.89 લાખ હતી તે 2021માં વધી 7.96 લાખ થઇ ગઇ
  • વિશ્વના કુલ મિલિયોનર્સની સંખ્યામાં ભારતીય મિલિયોનર્સની સંખ્યાનો હિસ્સો પણ 1.3 ટકા નોંધાયો.
  • અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (UHNWI)ની સંખ્યા ભારતમાં 2020માં 4260 હતી તે 2021માં વધી 4980 થઇ ગઇ

અમદાવાદઃ ભારતમાં ધનિકો અધિક ધનિક બની રહ્યા છે, જ્યારે આર્થિક અસક્ષમ વધુ અસક્ષમ બની રહ્યા છે. તાજેતરમાં પબ્લિશ થયેલાં ક્રેડિટ સૂઇસ ગ્લોબલ વેલ્થ રિપોર્ટમાં ભારત માટેનો જીની કોએફિસિએન્ટ 2021થી સતત 82.3ની ટોચે સ્પર્શી રહ્યો છે. જીની કોએફિસિએન્ટ એ એક એવો ઇન્ડેક્સ છે કે જે, આર્થિક અસમાનતા દર્શાવે છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસીત થઇ રહેલા દેશો જેવાં કે, ચીન, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયાની સરખામણીમાં ભારતનો આ ઇન્ડેક્સ બીજા ક્રમનો સૌથી ઊંચો ઇન્ડેક્સ બની રહ્યો છે. સાઉદી અરેબિયામાં તે 86.4 રહ્યો છે. જ્યારે ચીન માટે 70.1 અને ઇન્ડોનેશિયા માટે 78.2 રહ્યો છે. ભારતમાં આ ઇન્ડેક્સ છેલ્લા બે વર્ષથી ઊંચી સપાટીએ જ રહ્યો છે. ભારતમાં મિલિયોનર્સની સંખ્યા એક લાખનો આંકડો વટાવી ગઇ છે. જે દર્શાવે છે કે, કમાણીની સાથે સાથે વેલ્થ ગેપ પણ વધી રહ્યાં છે. ભારતમાં કુલ સંપત્તિ 2021માં 12 ટકા વધી 1.5 ટ્રિલિયન ડોલરની સપાટીએ પહોંચી હતી. વયસ્ક વ્યક્તિ દીઠ વેલ્થ 9 ટકા વધી 15535 ડોલરની રહી હતી. જોકે, સરેરાશ વયસ્ક વ્યક્તિદીઠ વેલ્થમાં વૃદ્ધિનું પ્રમાણ 7.6 ટકાના નીચા દરે રહ્યું હતું. ભારતમાં ઘરેલું સંપત્તિનું પ્રમાણ પણ વધ્યું છે. રિપોર્ટ અનુસાર 2021માં ભારતમાં મિલિયોનર્સની સંખ્યામાં 107000નો વધારો થયો છે. જે વિશ્વના કુલ મિલિયોનર્સની સંખ્યાના 1 ટકા પ્રમાણ દર્શાવે છે. 2026 સુધીમાં ભારતમાં મિલિયોનર્સની સંખ્યા 16 લાખ થઇ જવાનો અંદાજ અહેવાલમાં દર્શાવાયો છે.

અલ્ટ્રા હાઇનેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ કે જેઓ 50 મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતાં હોય તેમની સંખ્યા 720 વધી 4980ની સપાટીએ પહોંચી છે. ટોચના 1% ઇન્ડિયન્સનો સંપત્તિ હિસ્સો 2020માં 33.2 ટકા હતો તે વધી 2021માં 40.6 ટકા થયો છે. જે દર્શાવે છે કે, કુલ સંપત્તિમાં ટોચના એક ટકા ધનિકોનો હિસ્સો 40.6 ટકા જ્યારે ટોચના 10 ટકા ધનિકોનો કુલ સંપત્તિમાં હિસ્સો 72.5 ટકા નોંધાયો છે. અર્થાત્ દેશની કુલ સંપત્તિમાં ટોચના 10 ટકા ધનિકોની સંપત્તિનું પ્રમાણ 72.5 ટકા જ્યારે બાકીના 90 ટકા લોકોની સંપત્તિનું પ્રમાણ માત્ર 27.5 ટકા રહ્યું છે.

દેશઇન્ડેક્સ
સાઉદી અરેબિયા86.4
ભારત82.3
ઇન્ડોનેશિયા78.2
ચીન70.1
Source: Credit suisse global wealth report