• યુદ્ધ ઈફેક્ટ: રશિયાની ઓઈલ-ગેસના પેમેન્ટ તરીકે બિટકોઈનને મંજૂરી
  • યુક્રેનમાં પણ ટ્રાન્જેક્શન વધ્યાં, ઈથેરિયમમાં આગ ઝરતી તેજી

જિયો પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે ક્રિપ્ટો કરન્સીમાં માગ વધતાં ક્રિપ્ટો માર્કેટમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. બિટકોઈન 37 દિવસ બાદ ફરી પાછો 44 હજાર ડોલરની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે ઈથેરિયમમાં છેલ્લા એક સપ્તાહથી આગ ઝરતી તેજી જોવા મળી છે. સાપ્તાહિક ધોરણે શુક્રવારે સાંજના 5 વાગ્યાના ભાવ મુજબ, ઈથેરિયમ 12.68 ટકા વધી 3146 ડોલર થયો હતો. બિટકોઈન 9.75 ટકા ઉછાળા સાથે 44274.62 ડોલર પર ટ્રેડેડ હતો. આ સાથે ક્રિપ્ટોની કુલ માર્કેટ કેપ 11 ફેબ્રુઆરી બાદ ફરી 2 લાખ કરોડ ડોલર થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રિપ્ટો કરન્સીમાં વ્હેલ ટ્રાન્જેક્શન્સ 8.3 ટકા સુધી વધ્યા છે. રશિયાએ હાલમાં જ ઓઈલ-ગેસ સ્ટેશન પર પેમેન્ટ માટે બિટકોઈનને માન્યતા આપી છે. યુક્રેનમાં પણ વોર ફંડિંગ ઉપરાંત આર્થિક ગતિવિધિઓ માટે બિટકોઈન સહિત ક્રિપ્ટો કરન્સીની માગ વધી છે. બીજી બાજુ અમેરિકાએ ડિજિટલ કરન્સી માટે ચોક્કસ માપદંડો ઘડવા એક્ઝિક્યુટીવ ઓર્ડર જારી કર્યો છે.

અલીબાબા, માસ્ટરકાર્ડ કરતાં ઈથેરિયમની માર્કેટ કેપ વધી

છેલ્લા 13 દિવસથી આગ ઝરતી તેજીના કારણે ઈથેરિયમની માર્કેટ કેપ 380 અબજ ડોલર સાથે વિશ્વની ટોચની અલીબાબા, માસ્ટરકાર્ડ, બેન્ક ઓફ અમેરિકા સહિતની કંપનીઓને પાછળ પાડી છે. 13 માર્ચે 2519 ડોલરથી અત્યારસુધીમાં 656 ડોલર (25 ટકા) વધ્યો છે. હાલ 3175 ડોલર પર ટ્રેડેડ છે. જો કે, હજી 16 નવેમ્બર, 2021ની ઓલ ટાઈમ હાઈ 4891.70 ડોલરથી 35 ટકા ઘટાડા પર છે. અલીબાબાની માર્કેટ કેપ 317.27 અબજ ડોલર, માસ્ટરકાર્ડની 344.18 અબજ ડોલર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલની 362.14 અબજ ડોલર, નેસ્લેની 354.88 અબજ ડોલર, એક્સોન મોબિલની માર્કેટ કેપ 352.99 અબજ ડોલર છે.

વિશ્વનું ક્રિપ્ટો પ્રત્યે વલણ

ફ્લોરિડા: ફ્લોરિડાના ગવર્નર બિટકોઈનને પેમેન્ટ તરીકે માન્યતા આપવાનો સંકેત આપ્યો છે. ટૂંકસમયમાં તેના પર ટેક્સ સિસ્ટમ જાહેર કરશે.

યુકે: જો ક્રિપ્ટો કંપનીઓ બ્રિટનની નાણાકીય રેગ્યુલેટરી સંસ્થામાં નિયત મુદ્દતમાં રજિસ્ટ્રેશન કરાવવામાં નિષ્ફળ રહી તો વાવટા સંકેલવાની સ્થિતિ આવી શકે છે.

સ્પેન: ક્રિપ્ટો અંગે લોભામણી જાહેરાતો આપતી કંપનીઓ પર લગામ કસવા આકરા નિયમો ઘડ્યાં.

રશિયા: ઓઈલ-ગેસ ટ્રાન્જેક્શન માટે બિટકોઈનને મંજૂરી.

ભારત: વર્ચ્યુઅલ કરન્સીની અનિશ્ચિતતાઓ દૂર કરવા સ્પષ્ટ કાયદો ઘડવા વિપક્ષની માગ