BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ અને શિપિંગ ફાઇનાન્સિંગ જેવા ઉભરતાં ક્ષેત્રોને પ્રોત્સાહન
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે
કેન્દ્રિય બજેટમાં આપણા દેશની વૃદ્ધિની આકાંક્ષાઓ અને ભારતની વૃદ્ધિગાથામાં ગિફ્ટ સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકાયો છે. કેન્દ્ર સરકારનો નીતિગત સહયોગ ગિફ્ટ સિટીના ઝડપી વિકાસને ચોક્કસપણે બળ આપશે, જેના પરિણામે તે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે વાઇબ્રન્ટ ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ બનશે. બજેટમાં જાહેર કરાયેલા દૂરંદેશી પગલાં ગિફ્ટ સિટીમાં આઇએફએસસીમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ મજબૂત કરવામાં ઉપયોગી બનશે. એક્ઝિમ બેંકની સબ્સિડિયરીની સ્થાપના ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ અને શિપિંગ ફાઇનાન્સિંગ જેવા ઉભરતાં ક્ષેત્રોને પ્રોત્સાહિત કરશે. ગિફ્ટ સિટીમાં ડેટા એમ્બેસીઝની સ્થાપના પણ આવા સોલ્યુશન્સ ઇચ્છતા દેશો માટે ડિજિટલ કન્ટિન્યુટિ સોલ્યુશન્સની સુવિધા આપશે.
કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટ-અપ્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રાધાન્ય
ડો. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, (ઇડીઆઇઆઇ)
કેન્દ્રિય બજેટ 2023-24 યુવા ભારતની આકાંક્ષાઓને પ્રોત્સાહિત કરવાનો અભિગમ ધરાવે છે તેમજ કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટ-અપ્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર ભાર મૂકે છે. બજેટમાં અમૃતકાળ માટે સર્વાંગી વૃદ્ધિ અને અર્થવ્યવસ્થાને હાઇલાઇટ કરાઇ છે. પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન (પીએમ વિકાસ) પેકેજ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ સેક્ટર્સને બળ આપશે. આ ઉપરાંત એગ્રીકલ્ચર એસ્સિલરેટર ફંડની જોગવાઇ ગ્રામિણ ભારતમાં એગ્રીસ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપશે. એમએસએમઇ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જૂ છે અને મૂડી રોકાણથી આ સેક્ટર ચોક્કસપણે આગળ વધશે.