• 1.40 લાખ કરોડના 54 આઈપીઓ પાઈપલાઈનમાં
  • વેરાન્ડા, હરિઓમ પાઈપ્સમાં રૂ. 15 ગ્રે માર્કેટ પ્રિમિયમ

પ્રાઈમરી માર્કેટમાં ઉમા એક્સપોર્ટ, રૂચી સોયા સહિતના આઇપીઓમાં આકર્ષક પ્રિમિયમે લિસ્ટિંગના પગલે ફરી ધમધમાટ જોવા મળ્યો છે. આશરે રૂ. 1.40 લાખ કરોડના 54 આઇપીઓ પાઇપલાઇનમાં હોવાનું સૂત્રો જણાવે છે. જ્યારે 43 કંપનીઓ પણ પ્લાનિંગ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સેકેન્ડરી માર્કેટમાં 2022ની શરૂઆતથી વોલેટિલિટી વધતાં પ્રાઈમરી માર્કેટમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. 15થી 20 કંપનીઓએ આઈપીઓ યોજના સ્થગિત કરી હતી. જો કે, ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓ અને રૂચિ સોયાના એફપીઓના બમ્પર લિસ્ટિંગ સાથે આઈપીઓ લાવવા ઈચ્છુક કંપનીઓમાં ઉત્સાહ વધવાનો આશાવાદ છે. હજી આગામી સપ્તાહે બે આઈપીઓના લિસ્ટિંગ પોઝિટિવ રહ્યા તો એપ્રિલ અંત સુધીમાં 5થી 10 આઈપીઓ યોજાઈ શકે છે. વર્ષના અંત સુધીમાં ગતવર્ષ કરતાં પણ રેકોર્ડ આઈપીઓ યોજાવાની વકી નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગત નાણાકીય વર્ષમાં 1.12 લાખ કરોડના 53 આઈપીઓ યોજાયા હતા. જેની સામે સેબીની મંજૂરી મેળવી ચૂકેલા 1.40 લાખ કરોડના 54 આઈપીઓ હજી પાઈપલાઈનમાં છે. જ્યારે 83 હજાર કરોડના 43 આઈપીઓ સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. લિસ્ટિંગ દરમિયાન રોકાણકારોની મૂડી લિસ્ટેડ રૂચિ સોયાના એફપીઓમાં 42.28 ટકા જ્યારે ઉમા એક્સપોર્ટ્સમાં 23.53 ટકા વધી હતી.

વેરાન્ડા, હરિઓમ પાઈપ્સમાં રૂ. 15 ગ્રે માર્કેટ પ્રિમિયમ

આગામી સપ્તાહે લિસ્ટિંગ કરાવનાર વેરાન્ડા લર્નિંગ્સ અને હરિઓમ પાઈપ્સના ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 35 સુધી ઘટ્યા છે. બંને આઈપીઓમાં હાલ શેરદીઠ રૂ. 15 ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. વેરાન્ડા લર્નિંગ્સનો રૂ. 200 કરોડનો આઈપીઓ 11 એપ્રિલે, જ્યારે હરિઓમ પાઈપ્સનો 130.05 કરોડનો આઈપીઓ 13 એપ્રિલે મેઈન બોર્ડ ખાતે લિસ્ટેડ થશે.

ઉમા એક્સપોર્ટ્સમાં સતત બીજા દિવસે અપર સર્કિટ

લિસ્ટિંગના બીજા દિવસે પણ ઉમા એક્સપોર્ટ્સમાં તેજીની સર્કિટ વાગી હતી. શેર 5 ટકા ઉછાળા સાથે 88.20 પર બંધ રહ્યો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ કુલ 4 આઈપીઓમાંથી માત્ર એજીએસ ટ્રાન્સેક્ટને બાદ કરતાં તમામમાં 15 ટકાથી 152 ટકા સુધી રિટર્ન નોંધાયુ છે.