IRCTCનો Q3 નફો 23 ટકા વધી 256 કરોડ, રૂ. 3.50નું વચગાળાનું ડિવિડન્ડ
અમદાવાદઃ આઈઆરસીટીસી (IRCTC)એ ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 256 કરોડ (રૂ. 208 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ ₹3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્રિમાસિક ધોરણે, ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY23)માં ₹226 કરોડ સામે 13% વધ્યો છે. આવક 70% વધીને ₹918 કરોડ (રૂ. 540 કરોડ) થઈ છે. કંપનીનો કુલ ખર્ચ બમણા કરતાં પણ વધુ વધી રૂ. 607 કરોડ ( ₹274 કરોડ) થયો છે. સેગમેન્ટ મુજબ, કેટરિંગ સેગમેન્ટની આવક ગયા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹105 કરોડની સરખામણીએ 275% વાર્ષિક ધોરણે વધીને ₹394 કરોડ થઈ છે. રેલ નીર સેગમેન્ટની આવક એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹51 કરોડની સરખામણીએ અહેવાલ ક્વાર્ટરમાં 55% વધીને ₹79 કરોડ થઈ હતી. ઈન્ટરનેટ ટિકિટિંગ બિઝનેસે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આવકમાં 4%નો ઘટાડો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના ગાળામાં ₹313 કરોડ હતો. ટુરિઝમ બિઝનેસ વાર્ષિક ધોરણે આવકમાં 79%નો મજબૂત ઉછાળો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના ગાળામાં ₹68 કરોડની સરખામણીએ ₹122 કરોડ થયો હતો.