અમદાવાદ, 24 મે: કેડિલા ફાર્માસ્યુટિકલ્સની ત્રણ ડોઝમાં અપાતી હડકવાની રસી ‘થ્રેબીસ’ને પ્રતિષ્ઠીત ગોલ્ડન ગ્લોબ ટાઈગર્સ એવોર્ડમાં ભારે બહુમાન પ્રાપ્ત થયું છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સને ‘થ્રેબીસ’ માટે “ઈનોવેટીવ પ્રોડક્ટ ઓફ ધ યર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના મેગફામ ડિવિઝનના વર્ટિકલ હેડ પંકજ શર્માએ કંપની વતી વર્ચ્યુઅલી આ એવોર્ડ સ્વિકાર્યો હતો. આ રસી ભારત અને દુનિયામાં હજારો લોકોના જીવ બચાવવાની ક્ષમતા ધરાવે છે. ગયા વર્ષે એપ્રિલમાં રજૂ કરાયેલી થ્રેબીસ એ વિશ્વની ત્રણ ડોઝ ધરાવતી પ્રથમ રીકોમ્બીટન્ટ નેનોપાર્ટિકલ આધારિત રેબીસ જી પ્રોટીન વેક્સીન છે. હડકવાની અન્ય રસીઓમાં 28 દિવસના ગાળામાં પાંચ ઈન્જેક્શનનો કોર્સ પૂરો કરવો પડે છે. થ્રેબીસ એ સરળ અને ખૂબ જ અનુકૂળ આવે તેવો ત્રણ ડોઝનો કોર્સ ધરાવે છે. પ્રાણીઓ કરડવાનો ભોગ બનેલા 35 હજારથી વધુ લોકો માટે થ્રેબીસના 1 લાખથી વધુ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.