ટાટા પાવરે ઇવી ચાર્જિંગ માળખાને વધારવા હુન્ડાઈ સાથે જોડાણ કર્યું

અગ્રણી ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતા ટાટા પાવરે હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ સાથે ભારતમાં મજબૂત ઇવી ચાર્જિંગ નેટવર્ક ઊભું કરવા અને ઇવીની સ્વીકાર્યતા વધારવા વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. આ એમઓયુ ટાટા પાવર અને એચએમઆઇએલ વચ્ચે ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહા અને હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી ઉન્સૂ કિમની હાજરીમાં એચએમઆઇએલના હેડક્વાર્ટર હરિયાણાના ગુરુગ્રામમાં થયા હતા. આ જોડાણ અંતર્ગત ટાટા પાવર 29 શહેરોમાં એચએમઆઇએલના હાલના 34 ઇવી ડિલર લોકેશનમાં ટાટા પાવર ઇઝેડ ચાર્જ ફાસ્ટ ચાર્જર્સ (DC 60 kW) સ્થાપિત કરશે. અત્યારે તમામ એચએમઆઇએલવના 34 ડિલર લોકેશનને AC 7.2 kW ચાર્જર્સ સાથે સજ્જ કર્યા છે. આ નવી પાર્ટનરશિપ ગ્રાહકો માટે અતિ લાભદાયક બનશે, કારણ કે DC 60 kW વાહનના ચાર્જિંગનો સમય AC 7.2 kW ચાર્જરથી ઘણો ઓછો છે. DC 60 kW ચાર્જિંગ સ્ટેશનો ગ્રાહકોની સુવિધા વધારશે.

ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, હુન્ડાઈ મોટર ઇન્ડિયા સાથે અમારું જોડાણ ભારત સરકારના નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાનને સુસંગત છે.

હુન્ડાઈ મોટર ઇન્ડિયાના એમડી અને સીઇઓ ઉન્સૂ કિમે કહ્યું હતું કે, રાષ્ટ્રના ઇલેક્ટ્રિક મોબિલિટી મિશનને વેગ આપશે તેમજ એચએમઆઇએલ ઇવી ગ્રાહકો માટે હોમ ચાર્જિંગ સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ પ્રદાન કરશે.

UPL ખેડૂત સમુદાયના ઉત્થાન માટે 4046 ગામડાઓ દત્તક લીધા

પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદનો અને સેવાની પ્રદાતા UPL Ltd. હંમેશા ખેડૂતોના સમુદાયના કલ્યાણ અને ઉત્પાદન માટે મોખરે રહે છે. UPL ગામડાઓમાં એના અનેક પ્રયાસો ખેડૂતોના ઉત્થાન માટે એની કટિબદ્ધતાનો પુરાવો છે. 8.4 લાખ એકર જમીનમાં પર્યાવરણને અનુકૂળ કૃષિલક્ષી પદ્ધતિઓ અપનાવવી અને જમીનની ફળદ્રુપતા વધારવાના પ્રયાસ સ્વરૂપે UPLએ વર્ષ 2021-22માં 4046 ગામડાઓ દત્તક લીધા છે અને કંપનીનો ઉદ્દેશ વર્ષ 2023 સુધીમાં આ પ્રકારના ગામડાઓની સંખ્યા વધારીને 6000 કરવાનો છે. કંપની ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ સામુદાયિક વિકાસ અને શૈક્ષણિક કાર્યક્રમો ચલાવે છે.

UPLના ઇન્ડિયા રિજનના આશિષ ડોભાલે કહ્યું હતું કે,“UPLમાં અમે વર્ષ 2023 સુધીમાં દત્તક લીધેલા ગામડાઓની સંખ્યા વધારીને 6000 કરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ આગામી વર્ષોમાં શક્ય એટલા વધારે ખેડૂતોને લાભ આપવાનો છે.”