બિટકોઈનમાં સાપ્તાહિક 13 ટકા, ઈથેરિયમમાં 34 ટકાનો ઉછાળો

Ahmedabad: વૈશ્વિક મંદી, જિયો-પોલિટિકલ ક્રાઈસિસની સાથે સાથે ટેરા-લુના કૌંભાંડના કારણે ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીનો માહોલ છવાયો હતો. પરંતુ શેર બજારોની જેમ ક્રિપ્ટો માર્કેટમાંથી પણ મંદીના વાદળો દૂર થતાં નજરે ચડી રહ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી એકધારી તેજીના કારણે બિટકોઈન 1 માસ બાદ 24 હજાર ડોલરની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. ટોચની બીજા ક્રમની ક્રિપ્ટો ઈથેરિયમ સાપ્તાહિક 34 ટકા વધી હતી. બિટકોઈને સપ્તાહના અંતે 23 હજાર ડોલરની સપાટી જાળવવામાં સફળતા મેળવી છે. શુક્રવારે સાંજે 23491.75 ડોલર પર ટ્રેડેડ હતો. સાથે ઓવરઓલ ક્રિપ્ટો કરન્સી માર્કેટ ફરી પાછું 1.07 લાખ કરોડ ડોલર ક્રોસ થયુ હતું.

ટેસ્લાએ બિટકોઈન રિઝર્વમાંથી 75 ટકા હોલ્ડિંગ ઘટાડ્યુ

2021માં ટેસ્લાનું બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કરવા સાથે ક્રિપ્ટો માર્કેટની કમાન તેના માલિક એલન મસ્કના હાથમાં આવી ગઈ હતી. મસ્કના ટ્વિટ મુજબ ક્રિપ્ટોની ચાલ બદલાતી હતી. જેના લીધે ક્રિપ્ટોના ઘણા ઈન્સ્ટીટ્યુશનલ અને રિટેલ ઈન્વેસ્ટર પરેશાન હતાં.પરંતુ હાલમાં જ ટેસ્લાએ બિટકોઈન રિઝર્વમાંથી 75 ટકા હોલ્ડિંગ ઘટાડ્યુ હોવાની જાહેરાત કરતાં જ ક્રિપ્ટો માર્કેટમાં તેજીનું વલણ શરૂ થયુ હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. મસ્કે ટ્વિટ કરી 936 મિલિયન ડોલરના બિટકોઈન વેચી દીધા હોવાની જાહેરાત કરી હતી.

ટેક્નોલોજી અપગ્રેડ થતાં ઈથેરિયમમાં તેજી આવશે

ઈથેરિયમના કો-ફાઉન્ડર વિટાલિક બુટરિન અનુસાર, ઈથેરિયમનું નેટવર્ક સિસ્ટમમાં પ્રુફ ઓફ વર્કથી પ્રુફ ઓફ સ્ટેકમાં ટ્રાન્સફર થઈ રહી છે. જે પૂર્ણ થતાં જ ઈથેરિયમમાં મોટા ઉછાળા નોંધાઈ શકે છે. પ્રુફ ઓફ સ્ટેક એ પ્રુફ ઓફ વર્ક કરતાં વધુ સુરક્ષિત છે. ઈથેરિયમનુ પ્રુફ ઓફ સ્ટેક સાથે મર્જ થયા બાદ તેની સક્ષમતા 55 ટકા સુધી વધશે. હાલ 40 ટકા છે. જે નેટવર્કને વધુ સુરક્ષિત અને ડિસેન્ટ્રલાઈઝ બનાવશે. મર્જ થયા બાદ ઈથેરિયમમાં પ્રતિ સેકન્ડ 1 લાખ ટ્રાન્જેક્શન થઈ શકશે. જેથી રોકાણકારોનું આકર્ષણ વધશે. ઈથેરિયમ 5000 ડોલરની સપાટી ક્રોસ કરશે.

વિવિધ ક્રિપ્ટો કરન્સીની સાપ્તાહિક વધઘટ

ક્રિપ્ટો કરન્સીભાવવૃદ્ધિસાપ્તાહિક વૃદ્ધિ
Bitcoin$23,535.014.10%13.16%
Ethereum$1,634.779.59%34.51%
Cardano$0.50825.03%16.12%
Solana$43.905.37%15.98%
Dogecoin$0.071033.88%12.33%
Polkadot$7.816.53%13.50%
Polygon$0.91154.75%31.53%