કોરોના મહામારીની સૌથી વધુ અસર હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી પર થઈ હતી. હજી તેમાં રિકવરી પ્રિ-કોવિડ સ્તરથી 60થી 70 ટકા થઈ છે. જેને વેગ આપવા માટે ટુરિઝમ સ્પોટ દુબઈમાં અરેબિયન ટ્રાવેલ માર્કેટ એક્સ્પો યોજાયો હતો. જેમાં 150 દેશોમાંથી 1500થી વધુ પ્રદર્શનકારોએ પોતાની પ્રોડક્ટ્સ અને કંપની પ્રોફાઈલ્સ રજૂ કરી હતી. જેમાં 25 હજારથી વધુ મુલાકાતીઓ જોડાયા હતા. ગ્લોબલ ટુરિઝમ સેક્ટરમાં ટકાઉ ગ્રોથ માટે તકો વધારવા કંપનીઓને વિસ્તરણ માટે ડીલ કરવા પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવ્યુ હતું. ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સ, ટ્રાવેલ-ટુરિઝમ પ્રોફેશનલ્સ પોતાના અનુભવો, બિઝનેસ તકો અને ટુરિઝમ ગ્રોથ માટે યોગ્ય પગલાંઓ અંગે વિચારો રજૂ કર્યા હતાં. 9થી 12 મેએ યોજાયેલા આ એક્સ્પોમાં ભારતમાંથી ટોચની હોસ્પિટાલિટી કંપનીઓએ ભાગ લીધો હતો.

હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ

વૈશ્વિક સ્તરે હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. કોવિડના પ્રતિબંધો હળવા થતાં ગ્લોબલ એરલાઈન્સ ફરી પાછી શરૂ થતાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ટ્રાવેલ ટેક્ કંપનીઓમાં કોવિડ બાદથી સૌથી વધુ 380 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. વિશ્વમાં મધ્ય પૂર્વીયમાં 57 ટકા, આફ્રિકા 56 ટકા, એશિયા 50 ટકા, અને યુરોપ 49 ટકા ગ્રોથ જોવા મળ્યો છે.