ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 28463નું રોકાણ નોંધાયું
માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડ્સની એયુએમ માર્ચમાં ઘટી 37.7 લાખ કરોડ પહોંચી
મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. સતત 13 માસથી આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. માર્ચ મહિનામાં 28463 કરોડનું રોકાણ નોંધાયું હતું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરીમાં રૂ. 19,705 કરોડ, જાન્યુઆરીમાં રૂ. 14,888 કરોડ અને ડિસેમ્બર 2021માં રૂ. 25,077 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હોવાનું એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના અહેવાલમાં દર્શાવાયું છે. માર્ચ 2021 થી ઇક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ જોવા મળી રહ્યો છે જે રોકાણકારોમાં પોઝિટીવ ટ્રેન્ડ દર્શાવે છે. આ પહેલા જુલાઈ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીના આઠ મહિનામાં આ સ્કીમ્સમાં સતત આઉટફ્લો જોવા મળ્યો હતો જેમાં 46,791 કરોડ રૂપિયાનું રોકાણ પાછુ ખેંચાયું હતું.
ઇક્વિટી સેગમેન્ટમાં તમામ કેટેગરીમાં ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. મલ્ટી-કેપ ફંડ કેટેગરીમાં સૌથી વધુ રૂ. 9,694 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો, ત્યારબાદ લાર્જ અને મિડ-કેપ ફંડ અને લાર્જ કેપ ફંડમાં દરેકમાં રૂ. 3,000 કરોડથી વધુ નેટ ઇન્ફ્યુઝન જોવા મળ્યું હતું. જોકે ડેટ સેગમેન્ટમાં ગયા મહિને રૂ. 1.15 લાખ કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો જે ફેબ્રુઆરીમાં રૂ. 8,274 કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝે માર્ચમાં રૂ. 69883 કરોડનો ચોખ્ખો આઉટફ્લો નોંધાવ્યો હતો જે અગાઉના મહિનામાં રૂ. 31533 કરોડનું રોકાણ આવ્યું હતું. આઉટફ્લો માર્ચના અંતે ઇન્ડસ્ટ્રીઝની સરેરાશ એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) ઘટીને રૂ. 37.7 લાખ કરોડ થઈ ગઇ છે જે ફેબ્રુઆરીના અંતે રૂ. 38.56 લાખ કરોડ હતી
ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણની સ્થિતિ
મહિનો રોકાણ
માર્ચ-22 28463
ફેબ્રુ-22 19705
જાન્યુ.-22 14888
ડિસે.-21 25077
એસઆઇપીમાં રોકાણકારોનું યોગદાન વધ્યું
એસઆઇપીમાં રોકાણ પ્રવાહ સતત વધી રહ્યો છે. માર્ચ 2022 માટે રૂ.12328 કરોડની સર્વકાલીન ઉંચી સપાટી રહ્યું છે. દેશમાં કોવિડના વ્યાપમાં ઘટાડો થવાને કારણે અર્થવ્યવસ્થા ઝડપભેર આગળ વધી રહી છે. રોકાણકારો આગામી નાણાકીય વર્ષ માટે નવી SIP માં નવીકરણ અને રોકાણ કરી રહ્યા છે. મહિના દરમિયાન 15 ઇન્ડેક્સ ફંડ્સ અને 5 અન્ય ETF ફંડ્સ લૉન્ચ કરવામાં આવ્યા હતા જેણે કુલ રૂ. 3691 કરોડ એકઠા કર્યા હતા.