અમદાવાદ, 17 જૂનઃ એસ્સાર ગ્રુપ દ્વારા આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગર ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન સ્થાપવા માટે રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણની યોજના કરવામાં આવી છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રોમાં વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે.

ગ્રુપના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઇયાએ જણાવ્યું કે “એસ્સાર તેની યુકેની તેલ રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવાની, સાઉદી અરબમાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની અને લાંબા અંતરના હેવી ટ્રક્સને ડિકાર્બનાઇઝ કરવા માટે એલએનજી અને ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ બનાવવાની યોજના ઉપર કાર્યરત છે. ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રિક વાહન બેટરી, સોલાર પેનલ અને વિન્ડ-ટર્બાઇન મેગ્નેટ્સમાં મુખ્યત્વે વપરાતા મહત્વપૂર્ણ ખનિજોના ખનનના વ્યવસાયમાં પ્રવેશની વિચારણા પણ ચાલી રહી છે. એસ્સાર ફયુચર એનર્જી આગામી ચાર વર્ષમાં જામનગરમાં 1 ગીગાવોટ હાઈડ્રોજન ક્ષમતા ઉભી કરવા સાથે તેને સંલગ્ન 1 મિલિયન ટન પ્રતિ વર્ષ ગ્રીન મોલેક્યુલ્સની ક્ષમતા પણ વિકસાવશે.  અમે જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં લગભગ રૂ. 30,000 કરોડ નું રોકાણ કરવાના છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

એસ્સાર, પાણીના અણુના પૃથક્કરણ દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજનના ઉત્પાદન માટે તેની સહયોગી કંપની એસ્સાર રિન્યુએબલ્સ દ્વારા 4.5 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે. રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મના નિર્માણ ઉપરાંત, 2022 માં કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ વેચ્યા પછી દેણાવિહોણું બનેલું આ સમૂહ, આગામી ૩-૫ વર્ષમાં લગભગ ૧૦૦૦૦ મેગાવોટ ઉત્પાદનના લક્ષાંકને પહોંચવા, તેની  કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે. આ યોજના અંતર્ગત એસ્સાર પાવરના સલાયા-દ્વારકા સ્થિત ૧૨૦૦ મેગાવોટ પાવરપ્લાન્ટનું વિસ્તરણ કરી વધારાના  ૧૬૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનનું આયોજન કરી ગુજરાતની બેઝ-લોડ જરૂરિયાતો પૂરી પાડવાનું છે.

એસ્સાર યુકેમાં તેની સ્ટેનલો રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવા માટે USD 3.6 બિલિયન અને સાઉદી અરબમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરતા ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે USD 4 બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે એમ પણ રુઇયાએ ઉમેર્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)