ભાવિ ખર્ચને ધ્યાનમાં રાખી રોકાણ કરો
યુવા રોકાણકારોઃ અભ્યાસ, લગ્ન, કારકિર્દીને ધ્યાનમાં રાખી આગળ વધો
મૂડીરોકાણની શરૂઆત કરનારા મોટાભાગના રોકાણકારો ખાસ કરીને યુવાવર્ગને સૌથી મોટી મૂંઝવણ એ સતાવતી હોય છે કે, નાની રકમથી શરૂઆત કરતાં હોય ત્યારે શેરબજાર, સોના-ચાંદી, ખાનગી કંપનીઓની એફડી, પીએફ, પીપીએફ, ઇન્સ્યોરન્સ, ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, સેવિંગ્સ એકાઉન્ટ, સરકારી બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, કોમોડિટીઝ, ક્રૂડ, રિયાલ્ટી, કરન્સી, પેઇન્ટીંગ્સ, રિટાયરમેન્ટ સ્કીમ્સ જેવા અસંખ્ય ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ્સના વિકલ્પો સામે હોય. પરંતુ ટિપિકલ ગુજરાતી ભોજનથાળની જેમ તમામ મૂડીરોકાણ સ્રોતનો પોર્ટફોલિયોમાં સમાવેશ શક્ય હોતો નથી. આ ઉપરાંત અનેક પ્રશ્નો જેમ કે, કયા મૂડીરોકાણ સ્રોતમાં કેટલાં પ્રમાણમાં નાણા રોકવા, મૂડીરોકાણ સ્રોતની સંખ્યા કેટલી રાખવી, મૂડીરોકાણની સમયમર્યાદા કેટલી રાખવી, રિટર્નનો ટાર્ગેટ કેવી રીતે નક્કી કરવો, હાથ ઉપર રોકડ કેટલી રાખવી…..વગેરે….વગેરે….વગેરે…!! કારણકે યુવા રોકાણકારો માટે કારકિર્દીની શરૂઆતમાં ટૂંકાગાળાના અંતરે મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે.
આયોજન અને સ્રોતની પસંદગીઃ રોકાણકારના ચાર વર્ગ
(1) અપરણિત યુવા રોકાણકારો
(2) પરણિત યુવા યુગલ
(3) પ્રૌઢ રોકાણકારો
(4) રિટાયરમેન્ટના આરે ઉભેલા રોકાણકારો
યુવા રોકાણકારો માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ
કારકિર્દીની શરૂઆત હોય અને જો તમારા ઉપર જ ઘરની જવાબદારી હોય તો શરૂઆતના તબક્કામાં સેવિંગ્સ એકાઉન્ટ, શોર્ટ ટર્મ બેન્ક એફડી, ટૂંકી મુદતના બોન્ડ્સ, ઇટીએફમાં મૂડીરોકાણ કરવું જોઇએ. કારણકે શરૂઆતના તબક્કામાં તમારી આવક ઓછી અને મર્યાદિત હોવાના કારણે તમે બચત ઓછા પ્રમાણમાં કરી શકશો. શરૂઆત સેવિંગ્સ એકાઉન્ટથી કરો. તેમાં જમા થતી રકમને શોર્ટ ટર્મ એફડી કે લિક્વિડ ફંડમાં ટ્રાન્સફર કરતાં રહો. જેથી વ્યાજ વધુ મેળવી શકાય. એકવાર પુરતી રકમ જમા થઇ જાય એટલે તેમાંથી ઓછામાં ઓછી 75 ટકા રકમનું રોકાણ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને સોના-ચાંદીમાં કરો. ધારો કે, તમે 22-25 વર્ષની વય દરમિયાન મહિને રૂ. 25 હજાર કમાવાની શરૂઆત કરો છો. તેમાંથી દર મહિને ઓછામાં ઓછા 10 ટકા અને મહત્તમ 50 ટકા રકમ બચાવી શકો છો. કારણકે આ ગાળા દરમિયાન તમારી ઉપર આર્થિક જવાબદારીઓ સાવ ઓછી હશે. મહિને રૂ. 2500ની બચત કરો તો પણ વર્ષે રૂ. 30 હજાર જમા થશે. ત્યારે સૌપ્રથમ શોર્ટ ટર્મ બેન્ક એફડી/લિક્વિડ ફંડમાં ટ્રાન્સફર કરો. સાથે સાથે કુલ આવકના 5 ટકા ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પાછળ રોકાણ કરો. ધીરે ધીરે સેવિંગ્સ બેન્કમાં રકમ રૂ. 50 હજારની રકમ જમા થાય ત્યારે બેન્ક એફડી, સરકારી બોન્ડ્સમાં મૂડીરોકાણ કરી શકશો. આ દરમિયાન જો તમે ઉચ્ચ અભ્યાસ/લગ્ન કરો છો. તે વખતે નાણાની જરૂરિયાત માટે બેન્કમાંથી લોન લેવાના કે દેવું કરવાના બદલે તમે જમા કરેલી રૂ. 50 હજારની મૂડી મદદરૂપ થઇ પડશે. ટૂંકમાં બચત અને મૂડીરોકાણનો પહેલો વિરામ ઉચ્ચ અભ્યાસ/લગ્ન પ્રસંગે આવી શકે છે! બેન્ક એફડી કે સલામત મૂડીરોકાણ સ્રોતના બદલે જો શેરબજાર કે સોના-ચાંદીમાં મૂડીરોકાણ કર્યું અને ભાવ ઘટી ગયા તો…? માટે જ કારકિર્દીની શરૂઆતમાં ટૂંકાગાળાના મૂડીરોકાણ વિકલ્પો પસંદ કરી તેને યોગ્ય પ્રમાણમાં વહેંચીને મૂડીરોકાણ કરો. શરૂઆતમાં મૂડીરોકાણ સ્રોતની સંખ્યા બે/ત્રણથી વધી જાય નહિં. કારણકે 22-30 વર્ષના વયગાળા દરમિયાન ઉચ્ચ અભ્યાસ, કારકિર્દીમાં બદલાવ અને લગ્નજીવનની શરૂઆત ઉપર પણ ધ્યાન આપવાનું હોય છે.
તમારા નાણાની ઘરમાં જરૂર ના હોય તો…..
તમે માતા-પિતા સાથે રહો છો, તેમને તમારી કમાણીની જરૂર નથી તો લાંબાગાળાના મૂડીરોકાણ વિકલ્પ તરીકે ઇક્વિટી કે ઇક્વિટી આધારીત મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી રૂટ અપનાવવો જોઇએ.
ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળા માટેના રોકાણ સ્રોત
શોર્ટટર્મ ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ્સઃ સેવિંગ્સ/ રિકરિંગ એકાઉન્ટ, બેન્ક એફડી, ટૂંકી મુદતના બોન્ડ્સ, લિક્વિડ ફંડ્સ, પોસ્ટ ઓફીસ બચત યોજના…
મિડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ્સઃ ઇન્સ્યોરન્સ, સોના-ચાંદી, સરકારી બોન્ડ્સ, ઇટીએફ, ડિબેન્ચર, ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ
લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ્સઃ ઇક્વિટી, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ, પીપીએફ, પીએફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ
મૂડીરોકાણ શા માટે?: વિવિધ રોકાણ વિકલ્પ અપનાવો પરિસ્થિતિ અનુસાર
દરેક વ્યક્તિગત રોકાણકારો માટે ટૂંકા, મધ્યમ તેમજ લાંબાગાળાની મૂડી જરૂરિયાત અનુસાર મૂડીરોકાણ સ્રોત અને વિકલ્પો અલગ અલગ હોઇ શકે છે. ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની મૂડી/ખર્ચ જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં તેને ચાર ભાગમાં વહેંચી શકાય.
1. સલામતી: કારકિર્દીની શરૂઆતના 5-10 વર્ષ અને રિટાયરમેન્ટના 5-10 વર્ષ પૂર્વે મૂડીની સલામતીનું મહત્વ વિશેષ રહે છે. તેને ધ્યાનમાં રાખીને બેન્ક એફડી, પીએફ, પીપીએફ, ઇન્સ્યોરન્સ, જમીન, મકાન જેવા મૂડીરોકાણ સ્રોતની પસંદગી કરી શકાય.
2. આવકઃ કમાણીમાંથી કરેલી બચતનું યોગ્ય સ્રોતમાં મૂડીરોકાણ કે જેમાંથી નિયમિત આવક થતી રહે. તેને ધ્યાનમાં રાખીને બેન્ક એફડી, સરકારી બોન્ડ્સ, પોસ્ટ ઓફીસ બચત યોજના, મ્યુચ્યુઅલ ફંડ, ઇટીએફ જેવાં મૂડીરોકાણ સ્રોત પસંદ કરી શકાય.
3. ફુગાવા સામે રક્ષણઃ ફુગાવા/મોંઘવારી સામે કરેલા મૂડીરોકાણ ઉપર રિટર્ન આપવા માટે સોનું, ફ્લેટ, જમીન, સરકારી બોન્ડ્સમાં મૂડીરોકાણ કરી શકાય.
4. ગ્રોથઃ આર્થિક સંપન્ન રોકાણકારો કે જેઓ જોખમ ખેડવાની સાથે સાથે મૂડી લડાવી જાણે છે તેઓ શેરબજાર, કોમોડિટી, કરન્સી વગેરે સ્રોતમાં ટ્રેડિંગ/ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
ઇન્વેસ્ટમેન્ટ મંત્ર
જો સપૂતમ્ તો કિં ધનમ્ જો કપૂતમ્ તો કિં ધનમ્