સતત ચોથા સપ્તાહે મેઇનબોર્ડમાં એકપણ નહિં, પરંતુ SME સેગમેન્ટમાં 2 નવા IPO લોન્ચ થશે
અમદાવાદ, 10 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલો મંદીનો સૂસવાટો પ્રાઇમરી માર્કેટને પણ થરથરાવી રહ્યો છે. ખાસ કરીને સતત ચોથા સપ્તાહે મેઇનબોર્ડ સેગમેન્ટમાં કોઈ નવા IPO નહીં આવે, પરંતુ SME સેગમેન્ટમાં બે નવા IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાં ફક્ત 9 કંપનીઓએ જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 15,700 કરોડથી વધુ એકત્ર કર્યા છે. તેની સામે એસએમઇ સેગ્મેન્ટમાં 41 કંપનીઓએ IPO લોન્ચ કર્યા છે, જેમાં રૂ. 1,900 કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા છે.
PDP શિપિંગ
સોમવારથી શરૂ થતાં નવા સપ્તાહ દરમિયાન SME સેગમેન્ટમાં, PDP શિપિંગ પ્રારંભિક જાહેર ઓફર (IPO) હશે જે 10 માર્ચે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 12 માર્ચે બંધ થશે. લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની 135 રૂપિયા પ્રતિ શેરના ભાવે 9.37 લાખ શેરના ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યૂ દ્વારા રૂ. 12.65 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.
સુપર આયર્ન ફાઉન્ડ્રી
11 માર્ચે બીજી SME કંપનીનો આઇપીઓ આવશે. પશ્ચિમ બંગાળ સ્થિત આ કંપની મ્યુનિસિપલ કાસ્ટિંગ, ડક્ટાઇલ આયર્ન પાઇપ ફિટિંગ, ડક્ટાઇલ આયર્ન ઓટોમોટિવ કાસ્ટિંગ, ડક્ટાઇલ આયર્ન એગ્રીકલ્ચરલ કાસ્ટિંગ, રેલ્વે કાસ્ટિંગ અને કાસ્ટ-આયર્ન કાઉન્ટરવેઇટ્સનું ઉત્પાદન કરે છે અને 108 રૂપિયા પ્રતિ શેરના ભાવે 63.01 લાખ શેરના IPO દ્વારા રૂ. 68.05 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઓફર 31 માર્ચે બંધ થશે. ઉપરોક્ત બંને IPO માં સંપૂર્ણપણે તાજા ઇશ્યૂનો સમાવેશ થાય છે જેમાં BSE SME પર કોઈ ઓફર-ફોર-સેલ ઘટક ખોલવામાં આવશે નહીં.
નવાં લિસ્ટિંગ ઉપર પણ એક નજર
NAPS ગ્લોબલ ઇન્ડિયા 11 માર્ચે BSE SME પર તેના શેરનું લિસ્ટિંગ કરવા માટે તૈયાર છે. હકીકતમાં, રૂ. 11.88 કરોડના પ્રારંભિક શેરનું વેચાણ સફળ રહેવા સાથે આઇપીઓ 4-6 માર્ચ દરમિયાન 1.17 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

3 માસમાં લિસ્ટેડ 11માંથી 6 આઇપીઓ ડિસ્કાઉન્ટમાં
દરમિયાન, જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં, મેઇનબોર્ડ સેગમેન્ટમાં 11 કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ જોવા મળી, જેમાંથી છ કંપનીઓ હવે તેમના IPO ભાવથી નીચે ટ્રેડ કરી રહી છે જ્યારે 5 કંપનીઓ તેમના ઇશ્યૂ ભાવથી ઉપર ક્વોટ કરી રહી છે. ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકે અત્યાર સુધીમાં ઇશ્યૂ ભાવ કરતાં 79 ટકાથી વધુ વધારા સાથે મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે, જોકે, સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ ઓફર ભાવની તુલનામાં લગભગ 20 ટકા નુકસાન સાથે સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કંપની રહી છે.

એસએમઇ સેગમેન્ટમાં પણ 43માંથી 27 આઇપીઓ ડિસ્કાઉન્ટમાં
SME સેગમેન્ટમાં, કુલ 43 કંપનીઓએ આઇપીઓ યોજ્યા હતા અને તેમાંથી, 27 આઇપીઓ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા છે. જ્યારે 16 આઇપીઓ લિસ્ટિંગ બાદ પોઝિટિવ રિટર્ન ધરાવે છે. જીબી લોજિસ્ટિક્સ કોમર્સ અને સિટીકેમ ઇન્ડિયા સૌથી વધુ નુકસાનમાં રહ્યા, જે ઇશ્યૂના ભાવની તુલનામાં 58 ટકાથી વધુ ઘટાડો દર્શાવે છે. ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સ અને ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન સૌથી રિટર્ન આપનારા આઇપીઓ રહ્યા છે, જેમણે ઓફર ભાવ કરતાં અનુક્રમે 252 ટકા અને 200 ટકાનું લિસ્ટિંગ બાદ પ્રિમિયમ જાળવી રાખ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)