GMDCનો Q4 નફો બમણો અને આવક 8.38 ટકા વધી, રૂ. 9.10 ડિવિડન્ડ
અમદાવાદ, 31 મેઃ ગુજરાત મિનરલ ડેવલમેન્ટકોર્પોરેશન લિમિટેડ (GMDC)એ 31મી માર્ચ 2023ના રોજ પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક અને સંપૂર્ણ વર્ષ માટેના આકર્ષક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ચોથા ત્રિમાસિકમાં રૂ. 452.29 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 217.92 કરોડ સામે 107.55 ટકા વધ્યો છે. કુલ આવક 8.38 ટકા વધી રૂ. 1188.52 કરોડ થઈ છે. ગતવર્ષે રૂ. 1096.64 કરોડ હતી. FY22ના Q4માં EBITDA રૂ.459 કરોડની સરખામણીમાં રૂ.456 કરોડ નોંધાઈ હતી. જ્યારે શેરદીઠ કમાણી રૂ. 14.17 રહી હતી. કંપનીએ રૂ.2ની ફેસ વેલ્યૂ ધરાવતા પ્રત્યેક શેર પર રૂ. 9.10 ડિવિડન્ડની ભલામણ કરી છે.
નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો 172.65 ટકા વધી રૂ. 1215.73 કરોડ થયો છે. જે ગતવર્ષે 445.90 કરોડ હતો. કંપનીનું PAT માર્જિન 31% રહ્યું હતું. કુલ આવક નાણાકીય વર્ષ 22માં રૂ.2888 કરોડ સામે FY23માં રૂ.3894 કરોડ રહી હતી. EBITDA FY22માં રૂ. 834 કરોડ હતું, જે FY23માં 1557 કરોડ રહ્યું, કંપનીનું કોર EBITDA માર્જિન 42% થયુ હતું.
કંપનીની નાણાકીય કામગીરી પર પોતાનો મત વ્યક્ત કરતા, રૂપવંત સિંહ, IAS, મેનેજિંગ ડિરેક્ટર, GMDC એ જણાવ્યું હતું કે, GMDCએ ચોથા ક્વાર્ટરમાં અસાધારણ નાણાકીય કામગીરી હાંસલ કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ અમારી ટીમના સમર્પણ અને અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ વર્ષે અમારી વિક્રમી નાણાકીય કામગીરીની નોંધ લેતા અને અમારા મૂલ્યવાન શેરધારકોની પ્રશંસાના ભાગરૂપે અમને ડિવિડન્ડની ઘોષણા કરતાં આનંદ થાય છે. અમે ભવિષ્યમાં શેરધારકોના મૂલ્યમાં વધુ વધારો કરીને અમારી ગતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ અને નવીનતા લાવવાનું ચાલુ રાખીશું, અમારી બજારની હાજરીને વિસ્તારીશું અને તમામ હિતધારકો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરીશું.