નવી દિલ્હીઃ નાના અને સ્વતંત્ર સોનીઓ પાસેથી આજે પણ રિટેલ ગ્રાહકો એટલાંજ ભરોસાથી સોનાના આભૂષણ- લગડી ખરીદી રહ્યા છે. પરંતુ ધીરે ધીરે મોટી મોટી કંપનીઓ દ્રારા સ્થાપવામાં આવતાં રિટેલ ગોલ્ડ સ્ટોર્સ ચેઇનનો હિસ્સો ધીરે ધીરે વધી રહ્યો છે.આવી ગોલ્ડ રિટેલ ચેઇન સ્ટોર્સનો હિસ્સો આગામી 5 વર્ષમાં વધવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર, સ્વતંત્ર રિટેલર્સ હાલમાં બજારનો 65 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, ગ્રાહકના બદલાતા વલણ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રિટેલ ચેઈન સ્ટોર્સનો બજાર હિસ્સો 40 ટકાથી વધવાની તૈયારીમાં છે.

ભારતના સોનાના બજાર પર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સોનાના જ્વેલર્સ બજારમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ગોલ્ડ રિટેલ ચેઇન સ્ટોર્સનો હિસ્સો વધ્યો છે અને હાલમાં તેનો હિસ્સો 35 ટકા છે. જોકે, ગોલ્ડ માર્કેટમાં 65 ટકા સ્વતંત્ર રિટેલર્સનું વર્ચસ્વ છે. રિપોર્ટ અનુસાર, જેમ જેમ ગોલ્ડ માર્કેટનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ મેન્યુફેક્ચરિંગમાં રિટેલ ચેઈનનો હિસ્સો વધશે.

જીએસટીના કારણે ઉદ્યોગ વધુ પારદર્શક અને સંગઠીત બન્યો 

છેલ્લા એક દાયકામાં ભારતમાં રિટેલ જ્વેલરી માર્કેટમાં પરિવર્તન આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની રજૂઆતથી ઉદ્યોગને વધુ સંગઠિત અને વધુ પારદર્શક બનવામાં મદદ મળી છે. આ સિવાય ગ્રાહકોને ખરીદીનો બહેતર અનુભવ, પારદર્શક ભાવ, પુનઃખરીદી નીતિઓ અને બિલોની સગવડ અને ઓનલાઈન વ્યવહારોએ રિટેલ ચેઈન સ્ટોર્સના બિઝનેસમાં વધારો કર્યો છે. છેલ્લા 10-15 વર્ષોમાં ચેઇન સ્ટોર્સ ઝડપથી વિકસ્યા છે અને 2021 સુધીમાં 35 ટકા બજાર હિસ્સો મેળવવામાં સક્ષમ છે.

આગામી 5 વર્ષમાં માર્કેટ હિસ્સો 40% થશે

દેશભરમાં ગોલ્ડ ચેઇન સ્ટોર્સે મૂવિંગ જ્વેલરી આઇટમ્સ (જેમ કે ચેઇન અને રિંગ્સ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ વસ્તુઓ તેમના બિઝનેસમાં લગભગ 50-60 ટકા હિસ્સો ધરાવે છે. એકલા ટોચના પાંચ રિટેલર્સ આ સમયગાળા દરમિયાન 800-1,000 સ્ટોર ખોલે તેવી અપેક્ષા છે.