ગ્રીન્ઝો એનર્જી સાણંદમાં Rs. 500 કરોડના મૂડીરોકાણ સાથે ઇલેક્ટ્રોલાઇઝર્સ પ્લાન્ટ સ્થાપશે
પ્રોજેક્ટ પાછળ ગ્રીન્ઝો એનર્જી રૂ. 500 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટેનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પાછળ 50 મિલીયન (રૂ. 500 કરોડ) ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા 50 હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમીટેડ (જીઇઆઇએલ)ના સીઇઓ સંદીપ અગરવાલે જણાવ્યા અનુસાર ગ્રીન હાઇડ્રોજન ઉર્જાનો ક્લિન અને ટકાઉ સ્ત્રોત છે અને જેનો ઉપયોગ વીજ ઉદ્યોગ, વ્હિકલ્સ અને ઘરગથ્થુ વપરાશ માટે થઇ શકે છે. તેને રિન્યુએબલ એનર્જી સ્ત્રોત જેમ કે સોલાર અને વિન્ડ પાવરનો ઉપયોગ કરીને પાણીને હાઇડ્રોજન અને ઓક્સીજન છૂટા પાડીને ઉત્પન્ન કરી શકાય છે. ભારત સરકારે જે નીતિઓમાં ફેરફાર કર્યો છે જેમાં ગ્રીન હાઇડ્રોજન પેનલની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે જેથી મહત્ત્વના ક્ષેત્રો, રાષ્ટ્રીય ખાતર નીતિને વેગ આપી શકાય. અગરવાલે જણાવ્યુ હતુ કે છેલ્લા એક દાયકાથી કંપની રિન્યુએબલ એનર્જીમાં કામ કરી રહી છે. અમે સફળતા પૂર્વક અનેક પ્રોજેક્ટ્સ કર્યા છે અને ભારતમાં મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવતી ઝડપથી વિકસતી કંપની છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે ગ્રીન્ઝો એનર્જીને સાણંદ-2 ઔદ્યોગિક વિસ્તારમાં 10,000 ચોરસ મીટર્સ જમીન ફાળવણી કરવાનું વચન આપ્યુ છે, જેમાં 50 મિલીયન ડોલરના રોકાણ દ્વારા 250 મેગાવોટની ક્ષમતા ધરાવતા ઇલેક્ટોલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરાશે.
સંદીપ અગરવાલે વધુમાં જણાવ્યું હતુ કે ભારતમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક હોવાથી તેની ક્રૂડની જરૂરિયાતના 85 ટકાથી વધુની આયાત કરે છે. આયાત બીલ ઊંચા હોવાના કારણે દેશના અર્થતંત્ર પર બોજો પડે છે. 2021-2022માં ભારતનું આયાત બીલ 119 અબજ ડોલરના સ્તરે હતુ. વધુમાં ભારતનો વીજ વપરાશ 11 ટકાથી વધુ દરે વધીને ડિસેમ્બર 2022માં 121.19 અબજના સ્તરે સ્પર્શી ગયો હતો અને મોટા ભાગના ઉત્તર ભારતીય રાજ્યો તીવ્ર ઠંડીનો સામનો કરે છે ત્યારે ઉર્જા વપરાશમાં હજુ પણ વધારો થવાની શક્યતા સેવાય છે.
ઇલેક્ટ્રોલાઇઝર ગ્રીન હાઇડ્રોજન જનરેશન પ્લાન્ટ માટે મહત્વનું ઘટક
ઇલેક્ટ્રોલાઇઝર ગ્રીન હાઇડ્રોજન જનરેશન પ્લાન્ટના વિકાસ માટે અગત્યનુ ઘટક છે. અમે યુકે અને યુરોપ સાથે ટેકનોલોજી માટે જોડાણ કર્યુ છે, તેમજ ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ગ્રીન હાઇડ્રોજનના 1 મેવો, 2 મેવો અને 5 મેવોટની ક્ષમતામાં ઉત્પાદન કરવામાં આવશે. જીઇઆઇએલના કન્ટેનરવાળા સોલ્યુશન્સને ફ્યૂઅલ સ્ટેશન્સ, રિફાઇનરીઝ, સ્ટીલ ઉત્પાદકીય એકમ, ખાતર ઉત્પાદકીય એકમ ખાતે સરળતાથી ડિપ્લોય કરી શકાય છે.