ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું
દેશના કુલ કપાસનું ત્રીજા ભાગનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે
ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫%થી વધુ ફાળો અને દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ૧૮% યોગદાન આપે છે
અમદાવાદ, 9 એપ્રિલઃ દેશના કુલ કપાસ ઉત્પાદનનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવને સંબોધતા જણાવ્યું હતું. રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની વિગતો એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડતી E- ડિરેક્ટરીનું લોન્ચિંગ કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, આઠ હજાર જેટલા આવા ઉદ્યોગોની યાદી અને કોન્ટેકટ એક જ પ્લેટફોર્મ પરથી મળી રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટની ખ્યાતિ સાથે વાઇબ્રન્ટ સમિટની સફળતાથી દેશ-વિદેશના રોકાણકારો માટે રોકાણની પ્રથમ પસંદગીવાળું રાજ્ય બન્યું છે. આવી પ્રોત્સાહક નીતિઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એનવાયરમેન્ટને પરિણામે દેશના જીડીપીમાં ૮%થી વધુ અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૮%થી વધુ હિસ્સો ગુજરાત આપે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં PM મિત્રા ટેકસટાઇલ પાર્કના સાનુકૂળ વાતાવરણ અને અદ્યતન સુવિધાઓ માટે રાજ્ય સરકાર ટેકસટાઇલ ઉદ્યોગોની સાથે રહેશે. ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ કાપડ ઉદ્યોગના અમૃતકાળ માટે ઉદ્દીપક બનશે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, GCCIના ચેરમેન પથિક પટવારી, વાઇસ ચેરમેન યોગેશ પરીખ, એસોચેમના ચિંતન ઠાકર, ટેકસટાઇલ ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓ, મસક્તી મહાજન માર્કેટના ચેરમેન તથા જમ્મુ-કાશ્મીરથી લઈ તામિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના ૪૦ સહિત કુલ ૭૮ એસોસિએશનના પ્રતિનિધિઓ આ કોન્ક્લેવમાં જોડાયા હતા.
આ કોંક્લેવના બે સત્રોમાં ટેકસટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક વક્તાઓએ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સેકટરના પોતાના વર્ષોના અનુભવો શેર કર્યા હતા, તેમજ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.