ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પહેલા જ હિન્ડેનબર્ગ રિસર્ચનું ‘શટર ડાઉન’
મુંબઇ, 17 જાન્યુઆરીઃ યુનાઇટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના માત્ર ત્રણ દિવસ પહેલા વિવાદાસ્પદ શોર્ટ-સેલર હિન્ડેનબર્ગે તેની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી અનેક શંકા- કુશંકાઓ ઓ ઉભી થઈ છે. જાણકારો હિન્ડેનબર્ગને જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટ સાથે જોડી રહ્યા છે.
ડીઆર ચોક્સી ફિનસર્વના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે “આઉટગોઇંગ યુએસ રાષ્ટ્રપતિ નિવૃત્તિના થોડા દિવસો પહેલા ભારત વિરોધી જ્યોર્જ સોરોસને એવોર્ડ આપી રહ્યા છે, તો અન્ય એક કુખ્યાત શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રાષ્ટ્રપતિ બિડેનની વિદાયના અમુક દિવસો અગાઉ ઉતાવળમાં દુકાન બંધ કરી રહ્યા છે. જો આ ઘટનાઓ વચ્ચેની ભેદરેખાઓ વચ્ચે વાંચશો તો તેનો સંદેશ સ્પષ્ટ જણાશે” .
વૈવિધ્યસભર અગ્રણી સમૂહ વિરુદ્ધ એક ગંભીર આરોપાત્મક અહેવાલ પ્રકાશિત કર્યા બાદ વિવાદાસ્પદ શોર્ટ-સેલર નાથન એન્ડરસન વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયો હતો. જોકે શરૂઆતમાં ખળભળાટ મચાવનાર આ અહેવાલે અદાણી જૂથ પર ઉંડી અસર કરવામાં નિષ્ફળ જતા વિશ્વનીયતા ગુમાવી દીધી હતી. ભારતની સુપ્રીમ કોર્ટે તેના આધારે ભારતીય વકીલોની અરજી પણ ફગાવી દીધી. અદાણી ગ્રુપના સતત મજબૂત પ્રદર્શન અને સ્ટોક રિકવરીએ હિન્ડનબર્ગની વિશ્વસનીયતાને વધુ નુકસાન પહોંચાડ્યું હતું.
જુલાઈ 2024 માં પરિસ્થિતિ ત્યારે વધુ પલટાઈ ગઈ જ્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ને પુરાવા મળ્યા કે હિન્ડનબર્ગે એકમાત્ર ક્લાયન્ટ કિંગડન કેપિટલ માટે રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેનો તથાકથિત ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધ છે. SEBI એ યુએસ સ્થિત શોર્ટ-સેલર સામે મજબૂત કેસ બનાવ્યો છે, જેમાં તેના પર અપ્રકાશિત, ભાવ-સંવેદનશીલ માહિતી પર વેપાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સિક્યોરિટીઝ કાયદામાં નિષ્ણાત કંપની એલાયન્સ લોના મેનેજિંગ પાર્ટનર આર.એસ. લૂનાએ જણાવ્યું હતું કે “SEBI ની તપાસ પૂર્ણ થયા પછી કોઈપણ કાર્યવાહી કરવા યુએસ નિયમનકારોને સામેલ કરી શકે છે. વર્તમાન ખુલાસાઓના આધારે SEBI પાસે અપ્રકાશિત માહિતી આધારિત શોર્ટ સેલિંગમાં સામેલ થવા બદલ હિન્ડનબર્ગ રિસર્ચ સામે મજબૂત કેસ હોવાનું જણાય છે.”
હિન્ડેનબર્ગના નિશાને એકમાત્ર અદાણી જ નહોતા. ટ્વિટરના સંપાદન દરમિયાન એલોન મસ્ક અને અબજોપતિ રોકાણકાર કાર્લ ઇકાન બંને ડોનાલ્ડ ટ્રમ્પના અગ્રણી સમર્થકો પર પણ તેણે નિશાન સાધ્યું હતું.
મનઘડંત માહિતીના આધારે લાંબા સમયથી ચાલતા આરોપો સાથે કંપની અને તેના વિવાદાસ્પદ સંસ્થાપક નાથન એન્ડરસન હવે તપાસ હેઠળ છે. એન્ડરસન જાહેરમાં દેખાવાનું ટાળી રહ્યા છે તેનાથી શંકાઓ વધી રહી છે. તેઓ જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટના મોરચે કામ કરી રહ્યા હોવાની અટકળો પણ સેવાઈ રહી છે.
રિપબ્લિકન કોંગ્રેસમેન લાન્સ ગુડેને અદાણી પર આરોપ લગાવવા બદલ બિડેન વહીવટની ટીકા કરતા કહ્યું હતું કે “આપણે આર્થિક જાસૂસી અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી જેવા વાસ્તવિક જોખમોને અવગણી રહ્યા છીએ, જ્યારે આપણા આર્થિક વિકાસમાં ફાળો આપનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ”.
આ અઠવાડિયાની શરૂઆતમાં એક ઇઝરાયલી અહેવાલમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સોરોસ અને ડીપ સ્ટેટ પાછળ ચીની હિતો ખાસ હતા. ખાસ કરીને તેઓ ભારતના IMEC (ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર) પહેલનો વિરોધ કરતા હતા. હિન્ડેનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયાના થોડા દિવસો પહેલા જ અદાણી જૂથ દ્વારા ઇઝરાયલનું હાઈફા બંદર હસ્તગત કરવામાં આવ્યું હતું. આ વેપાર માર્ગને ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલના સીધા વિરોધી તરીકે જોવામાં આવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)