નવી દિલ્હી, 18 મે: ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓને વધુને વધુ માઈક્રો લોન ફાળવી સક્ષમ બનાવવાના હેતુ સાથે IFCએ દેશની ટોચની ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC બેન્કમાં 500 મિલિયન ડોલર સુધીનું ફંડ ઠાલવ્યું છે. જે દેશમાં આવક ઉપાર્જનનો સ્રોત બની નાણાકીય સમાવેશને ટેકો આપતાં દેશના સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે.

લાંબા સમયથી મહિલાઓને ધિરાણ પ્રદાન કરતી બેન્ક હવે IFCના ફંડની મદદથી સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (એસએચજી) તથા જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ્સ (જેએલજી)ને સસ્ટેનેબલ લાઈવલીહુડ ઈનિશિએટીવ્સ (એસએલઆઈ) હેઠળ આવરી માઈક્રો લોન્સ પેટે ધિરાણ આપશે. એસએલઆઈ એ બેન્કનો મહિલા લોનધારકો માટે માઈક્રો ફાઈનાન્સ ધિરાણ યોજનાઓ માટે જવાબદાર બિઝનેસ સેગમેન્ટ છે. IFCની લોન બેન્કને મહિલાઓ ખાસ કરીને એસએચજી અને જેએલજીમા સામેલ મહિલાઓને વ્યક્તિગત ધિરાણ યોજનાઓ વિશે જાગૃત્ત કરી લોન પ્રદાન કરવા સક્ષમ બનાવશે. IFCની લોનથી બેન્કની માઈક્રો ક્રેડિટમાં પણ વધારો થશે.

HDFC બેન્કના ટ્રેઝરી ગ્રુપ હેડ અરૂપ રક્ષિતે જણાવ્યું હતું કે, બેન્ક તરીકે અમે મહિલાઓને ખાસ કરીને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અને જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ્સને ધિરાણ પ્રદાન કરી સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છીએ. આ ફંડની મદદથી અમે ક્યારેય બેન્ક ખાતુ ન હોય તેવા લોકો અને પ્રથમ વખત લોન લેનારાઓને સુવિધા પ્રદાન કરીશું. IFC પાસેથી પ્રાપ્ત લાંબાગાળાની લોન સુવિધાથી અમારા પ્રયાસો વેગવાન બનશે.”

માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન્સ, સ્મોલ ફાઈનાન્સ બેન્ક સહિત નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ મહિલાઓને લોન આપતી ટોચની ધિરાણકર્તા છે. ભારતભરમાં કુલ માઈક્રો ફાઈનાન્સ ધિરાણના 65.7 ટકા હિસ્સો મહિલાઓ દ્વારા આવક ઉપાર્જન હેતુઓ માટે માગવામાં આવતી લોનનો છે. જેનો એકંદરે ગ્રોસ લોન પોર્ટફોલિયો 31 ડિસેમ્બર, 2023[1] સુધી 31.6 અબજ ડોલર સાથે 47 મિલિયન ગ્રાહકો સુધી પહોંચ્યો છે.

જો કે, MFIs ખૂબ જ વિભાજિત સેગમેન્ટ ધરાવે છે. જેની ક્ષમતાઓ પણ મર્યાદિત છે અને ઉચ્ચ ભંડોળ ખર્ચનો સામનો કરવો પડે છે. આ સંદર્ભમાં, બેન્કો તેના વ્યાપક વિતરણ નેટવર્ક અને નીચા ભંડોળ ખર્ચ સહિત અન્ય લાભો સાથે મહિલાઓને સ્વ-રોજગાર માટે પ્રોત્સાહન આપતાં માઇક્રો લોનની સુવિધા વધારી શકે છે. ઉલ્લેખનીય છે, બેન્કો દેશમાં કુલ ધિરાણના 40 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં માઈક્રો  લોનનો હિસ્સો નજીવો છે.

IFCના સાઉથ એશિયાના રિજનલ ડિરેક્ટર ઈમાદ ફખૌરીએ જણાવ્યું હતું કે, “નાણાકીય સેવાઓની ઍક્સેસ એ મહિલાઓને સશક્ત અને અર્થતંત્રને મજબૂત બનાવવાની ચાવી છે. IFCનો ઉદ્દેશ આ સેગમેન્ટમાં માઇક્રો લેન્ડિંગની ઉપલબ્ધતામાં વધારો કરતાં નબળા વર્ગની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. HDFC બેન્કમાં IFCનું રોકાણ ભારતના માઇક્રોફાઇનાન્સ ધિરાણને પ્રોત્સાહન આપવાની સાથે ધિરાણકર્તાઓ અને રોકાણકારોની ઈન્ડસ્ટ્રીને વેગ આપશે.”

IFC અસરકારક માઈક્રો ફાઈનાન્સ માર્કેટનુ સર્જન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. જે આ સેક્ટરમાં અગ્રણી ઈન્ટરનેશનલ ફંડર (આંતરરાષ્ટ્રીય રોકાણકાર) છે. છેલ્લા 20 વર્ષમાં IFCએ 95 દેશોમાં 330 માઈક્રો તથા ડિજિટલ ફાઈનાન્સ એડવાઈઝરી પ્રોજેક્ટ્સના અમલીકરણ અને 6.2 અબજ ડોલરથી વધુ 650 માઈક્રો ફાઈનાન્સ રોકાણ સાથે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર છાપ ઉભી કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)