સિનિયર સિટિઝન્સ આનંદોઃ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો , બેન્કોએ પણ ડિપોઝિટના વ્યાજ વધાર્યા
- આરબીઆઇએ છેલ્લા એક વર્ષમાં રેપોરેટ ચાર વાર વધાર્યો, સરકારે બચત યોજનાઓ ઉપરનું વ્યાજ બે વર્ષમાં પહેલીવાર વધાર્યું
- જોકે પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ તેમજ બહુ ગાજેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજમાં કોઇ વધારો નહિં
- કિસાન વિકાસપત્ર ઉપરનું વ્યાજ 6.9 ટકાથી વધારી 7 ટકા કરાયું, મુદત ઘટાડી 123 માસ કરાઇ
- સિનિયર સિટિઝન્સ સ્કીમ ઉપરનો વ્યાજનો દર 7.4 ટકાથી વધારી 7.6 ટકા કરાયો
- વ્યાજદરમાં કરાયેલો વધારો પહેલી ઓક્ટોબર-22થી તા. 31 ડિસેમ્બર-22 માટે લાગુ પડાશે
- બેન્કોએ પણ ગત મહિને લિક્વિડિટીને પહોંચી વળવા એફડીના રેટ વધારી 6 ટકા કર્યા
અમદાવાદઃ એક તરફ આરબીઆઇ રેપોરેટમાં વધારો કરે તેવી સંભાવના છે. તેની સાથે સાથે નાણા મંત્રાલયે પણ સિનિયર સિટિઝન્સ સહિતના વ્યાજની આવક ઉપર નભતાં નાની બચત યોજનાઓના રોકાણકારોને બે વર્ષમાં પહેલી વાર તા. 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર- 2022 માટે વ્યાજદરમાં 10- 30 બીપીએસના વધારાની દિવાળી લહાણી આપી છે.રકારે નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં વધારો કર્યો છે. પરંતુ પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટના વ્યાજદરમાં કોઇ વધારો કર્યો નથી. તેજ રીતે એક વર્ષ અને પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ તથા રિકરીંગ ડિપોઝીટના વ્યાજમાં પણ કોઇ વધારો કરાયો નથી.
બેન્કોએ પણ એફડી રેટ વધારી 6.5 ટકા સુધી કર્યા
સંખ્યાબંધ બેન્કોએ પણ ગત મહિને સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ્સના ઓઠાં હેઠળ એફડી ઉપરના વ્યાજદર વધારી 6 ટકા સુધી કર્યા છે. સતત વધી રહેલી ક્રેડિટ ડિમાન્ડ અને તરલતાને પહોંચી વળવા માટે બેન્કોએ 3 માસની ડિપોઝિટ ઉપરનો વ્યાજદર 30-35 બેઝિસ પોઇન્ટ વધારી 6.30- 6.50 ટકા કર્યો છે. આરબીઆઇના અહેવાલ અનુસાર ક્રેડિટ ગ્રોથ 16.2 ટકાની 9 વર્ષની ટોચે પહોંચવા સામે ડિપોઝિટ ગ્રોથ 9.5 ટકાનો રહ્યો છે. તેના કારણે ક્રેડિટ- ડિપોઝિટ ગ્રોથ ગેપ વધી રહ્યો છે અને લોન ગ્રોથ ઉપર અસર પડે તેવી સંભાવનાને ખાળવા માટે બેન્કો પણ વ્યાજદરમાં વધારો કરી રહી છે.
છેલ્લે સરકારે નાણાકીય વર્ષ 2021નાં પ્રથમ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં 70- 140 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. ગત વર્ષે સરકારે રાજ્યોની ચૂંટણીને અનુલક્ષીને વ્યાજદરમાં કરેલો ઘટાડો પાછો ખેંચવાની ફરજ પડી હતી. એક તરફ નાણામંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ગ્રોસ માર્કેટ બોરોવિંગ્સમાં રૂ. 10000 કરોડનો ઘટાડો નક્કી કર્યો છે.
નાની બચત યોજનાઓના વ્યાજદર તા. 1ઓક્ટો.થી તા. 31 ડિસે.22 માટે
ઇન્સ્ટ્રુમેન્ટ | 1 જુલાઇ- 30 સપ્ટે.-22 | 1 ઓક્ટો- 31 ડિસે.-22 |
સેવિંગ્સ ડિપોઝિટ | 4.00 | 4.00 |
1 વર્ષ | 5.5 | 5.5 |
2 વર્ષ | 5.5 | 5.7 |
3 વર્ષ | 5.5 | 5.7 |
5 વર્ષ | 6.7 | 6.7 |
5 વર્ષ રિકરીંગ | 5.8 | 5.8 |
સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ | 7.4 | 7.6 |
મન્થલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમ | 6.6 | 6.7 |
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ | 6.8 | 6.8 |
પીપીએફ | 7.1 | 7.1 |
કિસાન વિકાસ પત્ર | 6.9* | 7.0** |
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ | 7.6 | 7.6 |
(*124 માસમાં મેચ્યોરિટી ઉપર, 123 માસમાં મેચ્યોરિટી ઉપર, સોર્સ ફાઇનાન્સ મિનિસ્ટ્રી)