અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં LICનું રોકાણ રૂ. 38,471 કરોડથી વધી રૂ.61,210 કરોડે પહોંચ્યું
અમદાવાદ, 15 એપ્રિલઃ બહાર આવેલા પરિણામો અનુસાર LIC એ નાણાકીય વર્ષ 2023-24 માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરેલા રોકાણના મૂલ્યમાં 59 ટકાનો નફો નોંધાવ્યો છે. શેરબજારના ડેટા મુજબ, 31 માર્ચ, 2023ના રોજ અદાણી ગ્રુપની સાત કંપનીઓમાં LICનું કુલ રોકાણ રૂ. 38,471 કરોડથી વધીને 31 માર્ચ, 2024ના રોજ રૂ.61,210 કરોડ થયું હતું. જેમાં રૂ. 22,378 કરોડનો વધારો નોંધાયો હતો.
ગત વર્ષે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપોને પગલે વીમા કંપનીને અદાણી જૂથમાં રોકાણ કરવાના નિર્ણય અંગે આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જો કે અદાણી જૂથે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. બાદમાં કોર્ટે પણ હિંડનબર્ગના આરોપોને ખોટા ગણાવ્યા હતા. રાજકીય દબાણનો સામનો કરતા LIC દ્વારા બે મુખ્ય જૂથ કંપનીઓ-અદાણી પોર્ટ્સ એન્ડ SEZ અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં વ્યૂહાત્મક રીતે તેનું રોકાણ ઘટાડ્યું હતું. જો કે આ બંને કંપનીઓના શેર અનુક્રમે 83 ટકા અને 68.4 ટકા વધ્યા હતા.
શેરબજારના આંકડાઓ અનુસાર રોકાણ ઘટાડવા છતાં, નાણાકીય વર્ષ 2023-24માં LIC એ અદાણી જૂથમાં તેના રોકાણ પર 59 ટકાનો નફો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, અબુ ધાબી સ્થિત IHC, ફ્રેન્ચ જાયન્ટ ટોટલ એનર્જી અને યુએસ સ્થિત GQG ઇન્વેસ્ટમેન્ટ્સ જેવા ઘણા વિદેશી રોકાણકારોએ અદાણી જૂથની કંપનીઓમાં આશરે રૂ. 45,000 કરોડનું રોકાણ કર્યું હતું.
શેરમાર્કેટના આંકડાઓ પર નજર કરીએ તો, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં LICનું રોકાણ 31 માર્ચ, 2023ના રોજ રૂ. 8,495.31 કરોડથી વધીને એક વર્ષ પછી રૂ. 14,305.53 કરોડ થયું છે. તો આ જ સમયગાળા દરમિયાન અદાણી પોર્ટ્સ અને SEZમાં રોકાણ રૂ. 12,450.09 કરોડથી વધીને રૂ. 22,776.89 કરોડ થયું હતું. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં LICનું રોકાણ એક વર્ષમાં બમણાથી વધુ વધીને રૂ. 3,937.62 કરોડ થયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)