ગ્રેમાં રૂ. 10 ડિસ્કાઉન્ટઃ LIC ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થવાની દહેશત
ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 85થી ઘટી ડિસ્કાઉન્ટ રૂ. 10 બોલાઇ ગયું…!
ગાજ્યા મેહ વરસ્યા નહિં, રિલાયન્સ પાવર, પેટીએમ સહિતના કહેવાતા મેગા ઇશ્યૂઓમાં નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ સર્જાયા પછી વીમા કંપની એલઆઇસીના સંભવિત શેરધારકોને લિસ્ટિંગ સમયે થનારી સંભવિત ખોટ સામે વીમો ઉતરાવવો પડે તેવું વાતાવરણ ગ્રે માર્કેટમાં ચાલી રહેલા ડિસ્કાઉન્ટ પ્રિમિયમના કારણે સર્જાયું છે.
દેશનો સૌથી મોટો LICના IPOની લિસ્ટિંગ તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટી અંતે ડિસ્કાઉન્ટ થયુ છે. ગ્રે માર્કેટમાં ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 949 સામે રૂ. 85 સુધીના પ્રિમિયમ સતત ઘટી બુધવારે LIC 10 ટકા ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યો હતો. આજે તેના 22 કરોડ ઈક્વિટી શેર્સનું એલોટમેન્ટ થશે. શેરની સંખ્યા વધુ હોવાથી મોટાભાગે રોકાણકારોને શેર એલોટ થવાની શક્યતા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. LIC IPO મારફત સરકાર રૂ. 21 હજાર કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી છે. જેમાં પોલિસી હોલ્ડર્સે સૌથી વધુ 6.12 ગણી એપ્લિકેશન કરી હતી. જ્યારે રિટેલ રોકાણકારોએ બે ગણા (રૂ. 41790 કરોડ) બીડ્સ ભર્યા હતા. LICના પોલિસી હોલ્ડર્સ 30 કરોડથી વધુ છે. IPOનું લિસ્ટિંગ 17 મેએ થશે. કેન્દ્ર સરકાર LIC IPO દ્વારા રૂ. 1 લાખ કરોડ એકત્ર કરવા માગતી હતી. પરંતુ માર્કેટની પરિસ્થિતિ અને ફ્લોટિંગ રેટને ધ્યાનમાં રાખતાં LIC IPOની સાઈઝ 1 લાખ કરોડથી ઘટાડી 21 હજાર કરોડ કરી હતી. IPO સાઈઝ ઘટાડવા પાછળનો હેતુ ફ્લોટિંગ રેટ અને વોલેટિલિટી ઘટાડવાનો છે.
કોને કેટલા શેર્સ ફાળવશે LIC
IPO મારફત જારી કુલ 22,13,74,920 ઈક્વિટી શેર્સમાંથી 50 ટકા શેર્સ ક્યુઆઈબી પોર્શન માટે, 35 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અને એનઆઈઆઈ માટે 15 ટકા શેર્સ ફાળવશે. લિસ્ટિંગ બાદ પ્રમોટર હોલ્ડિંગ 100 ટકાથી ઘટી 96.50 ટકા થશે.
પોલિસી હોલ્ડર્સે સૌથી વધુ રોકાણ કર્યું
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (x) |
ક્યુઆઈબી | 2.83 |
એનઆઈઆઈ | 2.91 |
રિટેલ | 1.99 |
એમ્પ્લોયી | 4.40 |
પોલિસીહોલ્ડર | 6.12 |
ટોટલ | 2.95 |