L&T ફાઇનાન્સનો Q2 નફો 46% વધી રૂ.595 કરોડ
અમદાવાદ, 23 ઓક્ટોબરઃ L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (LTFH) 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 595 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 46 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ લોન બુકના 88 ટકા રિટેલ લોન પોર્ટફોલિયો મિશ્રણ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026 ધ્યેય હેઠળ નિર્ધારિત 80 ટકા રિટેલાઇઝેશન લક્ષ્ય કરતાં વધુ છે. કંપનીએ લગભગ 3 વર્ષ અગાઉ લક્ષ્ય 2026ના મોટા ભાગના લક્ષ્યો હાંસલ કર્યા છે.
30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક રિટેલ વિતરણ રૂ. 13,499 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ ફાઇનાન્સમાં LTFH દ્વારા આ ત્રિમાસિક વિતરણ આરંભથી અત્યાર સુધીનું સૌથી વધુ છે અને તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા પ્રેરિત છે. રિટેલ બુક હવે રૂ. 69,417 કરોડ છે, જે સપ્ટેમ્બર 30, 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરની સરખામણીમાં 33 ટકા વધારે છે. હોલસેલ બુકમાં વાર્ષિક ધોરણે 76 ટકાનો ઘટાડો થઈ તે રૂ. 38,058 કરોડથી રૂ. 9,318 કરોડ થઈ હતી.
કંપનીના એમડી અને સીઈઓ દીનાનાથ દુભાશીએ જણાવ્યું કે, ત્રિમાસિક ગાળા દરમિયાન, LTFH ન કેવળ 88 ટકાના રિટેલ પોર્ટફોલિયો મિક્સ સુધી પહોંચી હતી, પરંતુ વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ નોંધાવતા રૂ. 13,499 કરોડનું સૌથી વધુ ત્રિમાસિક રિટેલ વિતરણ પણ હાંસલ કર્યું હતું.