રિલાયન્સ, ઇન્ફોસીસ, એક્સીસ બેન્કના પરિણામોના જોરે બજાર કરેક્શનમાંથી બહાર નીકળી શકે
ઇન્ફોસીસે સતત ત્રીજીવાર ગાઇડન્સ વધાર્યું | રિલાયન્સને જીઓની ભાવવૃદ્દિ ફળી |
એક્સીસ બેન્કનો Q3 નેટ પ્રોફીટ વધ્યો | એચડીએફસી લાઇફ 8% વધ્યો |
બેંકીંગ-ફાઇનાન્સ શેરો અપ | રિલાયન્સ રીટેલનો દેખાવ અપેક્ષા મુજબનો |
અમદાવાદ, 17 જાન્યુઆરીઃ ગુરુવારે રિલાયન્સ, ઇન્ફોસીસ અને એક્સીસ બેન્કના ત્રિમાસિક પરિણામો પૂર્વે ભારતીય શેરબજારોમાં સુધારો જળવાયો હતો. ફાઇનેન્સીયલ સર્વીસ ઇન્ડેક્સ 1.16 ટકા વધી 22943.75ની સપાટીએ અને બેન્ક નિફ્ટી 1.08 ટકાના ગેઇને 49278.70 બંધ રહ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50 1.45%ના સુધારાએ 64564.50 અને મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.73% ના ગેઇને 12218 બંધ જોવા મળ્યા હતા. મુખ્ય આંક નિફ્ટી 0.42% વધી 23311.80ના સ્તરે વિરમ્યો હતો. શુક્રવારે બજાર વધવાની ધારણા એનાલિસ્ટોએ વ્યક્ત કરી હતી.
ઇન્ફોસીસે સતત ત્રીજી વાર રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ વધારી 4થી 5% જાહેર કર્યું
ઇન્ફોસીસ રૂ.1949.65ના બુધવારના બંધ સામે ગુરૂવારે 1965.95ના સ્તરે ખુલીને માત્ર એક રૂ. વધી 1966.95નો દૈનિક હાઇ બનાવી બજાર બંધ થતાં પૂર્વે 1916.85નો લો બનાવી છેવટે 1.52%, રૂ. 29.60 ઘટી 1920.05 બંધ રહ્યો હતો. રૂ. 2006.45ના બાવન સપ્તાહના હાઇથી ત્રણેક ટકા જ દૂર છે. બજાર બંધ થયા પછી જાહેર થયેલા પરિણામોમાં કંપનીનો કોન્સ્ટન્ટ કરંસી રેવન્યુ ગ્રોથ સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ 0.9% રહેવાની એનાલિસ્ટોની ધારણા સામે 1.7% આવ્યો હતો. આ આંકડો ટીસીએસના આવા ફ્લેટ ગ્રોથ કરતાં વધુ પણ એચસીએલ ટેકના 3.8% કરતાં ઓછો છે. રૂપિયામાં ગણત્રીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં પ્રિવીયસ ક્વૉર્ટરના રૂ. 40986 કરોડની સામે આવક (એનાલિસ્ટોની રૂ. 41281 કરોડની ધારણાથી સ્હેજ વધારે) રૂ. 41764 કરોડની થઇ , જે બે ટકાનો વધારો ગણાય. વ્યાજ અને કરવેરા પૂર્વેનો નફો પણ વધી રૂ. 8912 કરોડ(રૂ. 8791 કરોડનો એનાલિસ્ટોનો અંદાજ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8649 કરોડ) આવતાં 3 ટકાની વૃદ્ધિ થઇ છે. એબીટ માર્જીન 21.1%થી થોડો સુધરીને 21.3% આવવાની ધારણા હતી અને તેટલું જ રહ્યું છે. કરવેરા પછીનો નફો સપ્ટેમ્બર ત્રિમાસિકના રૂ. 6506 કરોડથી 4.6 ટકા વધી રૂ. 6806 કરોડ થયો છે, એનાલિસ્ટોની રૂ. 6753 કરોડની ધારણાથી એ વધુ છે. કંપનીનું કોન્સ્ટન્ટ કરંસી રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ 3.75%-4.5% નું હતું એ વધારી સાડાચારથી પાંચ ટકાનું કરાયું છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં 1થી 3%નું રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ હતું એ જૂન ક્વાર્ટરના અંતે 3થી4% , સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે 3.75 થી 4.5% અને હવે ડિસેમ્બરના અંતે વધારીને 4થી 5% કરાયું છે. માર્જીન ગાઇડન્સ 20થી 22% યથાવત રખાયું છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને 2.5 બિલિયન ડોલરનાં ડીલ્સ મળ્યાં છે, આ પ્રમાણ સપ્ટેમ્બરના 2.4 બિલિયન ડોલરથી વધારે છે. યુએસ માર્કેટમાં રિઝલ્ટને ભાવમાં કેવો પ્રતિસાદ મળે છે એના આધારે ઇન્ફોસીસના ભાવનો ટ્રેન્ડ નક્કી થશે. એનાલિસ્ટોનો આશાવાદ થોડો વધ્યો હોય એવું જણાય છે.
પોસ્ટ માર્કેટ નિફ્ટી પ્રતિનિધિ એક્સીસ બેન્કે રજૂ કરેલા ડિસેમ્બર કવૉર્ટરના રીઝલ્ટમાં માત્ર 4 ટકાના પ્રમાણમાં જ નેટ પ્રોફીટ ગ્રોથ કર્યો અને છેલ્લા 15 ત્રિમાસિકમાં સૌથી ઓછી ડીપોઝીટ વૃદ્ધિ નોંધાવી છે. સાથે સાથે જ ગ્રોસ અને નેટ એનપીએ(નોન પરફોર્મીંગ એસેટ્સ) રેશીયોમાં થોડો વધારો થયો છે. બેન્કનો નફો ગત ડિસેમ્બર ક્વૉર્ટરની તુલનાએ 3.83% વધી રૂ. 6304 કરોડ , તે જ રીતે ડીપોઝીટ 9% વધી રૂ. 10.95 લાખ કરોડ થઇ હતી, જે છેલ્લા 15 ત્રિમાસિકનો સૌથી ઓછો ગ્રોથ હતો. સામે એડવાન્સીસ 8.8% વધી રૂ. 10.14 લાખ કરોડના સ્તરે હતા. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ રૂ. 13606 કરોડ થઇ હતી. શેરનો ભાવ 1.68% વધી રૂ. 1044 બંધ હતો.
રિલાયન્સના ડિસેમ્બર ત્રિમાસિકમાં ટેલિકોમનું સારું પરફોર્મન્સ
નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ડિજીટલ, રીટેલ અને ઓઇલ ટૂ કેમિકલ બિઝનેસના સારાં દેખાવના કારણે નેટ પ્રોફીટ ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ 12 ટકા વધી રૂ. 21930 કરોડ થયો હતો. કોન્સોલીડેટેડ આવક 7.7 ટકા વધી રૂ. 2.67 લાખ કરોડ અને એબીડ્ટા(વ્યાજ, કરવેરા, ડેપ્રીસીએશન તથા એમોર્ટાઇઝેશન) પહેલાંનો નફો 7.8 ટકા વધી રૂ. 48003 કરોડે પહોંચ્યો હતો. ડિજીટલ સેવાઓમાં એઆરપીયુ( એવરેજ રેવન્યુ પર યુઝર) રૂ. 203.30 થવાનો મહત્વનો ફાળો હતો. ડિજીટલનો એબીડ્ટા નફો 17 ટકા વધી રૂ. 16640 કરોડ અને રીટેલનો એબીડ્ટા નફો 9 ટકા વધી રૂ. 6840 કરોડ થયો હતો. રીટેલની બિઝનેસની આવકમાં 8.8% વાર્ષિક તુલનાએ વધારો થતાં એ રૂ. 90351 કરોડે પહોંચી હતી જે બજારની ધારણા કરતાં વધુ હતી. પુરોગામી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ બિઝનેસની આવક રૂ. 76325 કરોડ થઇ હતી. રિલાયન્સ રીટેલનો કરવેરા પછીનો નફો ગત વર્ષના એ જ ત્રિમાસિકની તુલનાએ 10.01 ટકા વધી રૂ. 3485 કરોડ થયો હતો. આ ક્વૉર્ટમાં 779 નવા સ્ટોર્સ શરૂ કરાતાં કુલ સંખ્યા 19102, ઓપરેશનલ એરીયા 774 લાખ સ્ક્વેર ફીટ અને ફુટફોલ 5 ટકા વધી 2960 લાખે પહોંચ્યો હતો. રીટેલના કુલ ટ્રાન્ઝેક્શન ગત ડિસેમ્બર ત્રિમાસિની તુલનાએ 10.9 ટકા વધી 3550 લાખ થયા હતા.
એચડીએફસી લાઇફની આગેવાની હેઠળ જીવન વીમાના શેરો વધ્યાં
નિફ્ટી ફિફ્ટી 23213ના પુરોગામી બંધ સામે 23377 ખુલી ઘટીને 23272 અને વધીને 23391 થયા બાદ 98 પોઇન્ટ્સ, 0.42% સુધરી 23311 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના 33 શેરો વધ્યાં અને 17 શેરો ઘટ્યાં હતા. નિફ્ટીનો એચડીએફસી લાઇફ આઠ ટકા ઉછળી રૂ. 641, ભારત ઇલેક્ટ્રોનિક્સ સાડા ત્રણ ટકા પ્લસ થઇ રૂ. 277 અને એસબીઆઇ લાઇફ 2.89% વધી રૂ. 1515ની સપાટીએ વિરમ્યા હતા. ઘટવામાં ટ્રેન્ટ અઢી ટકા ઘટી રૂ. 6230 અને ડો. રેડ્ડી 2.26% ઘટી રૂ. 1307 બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સનો ભેલ 4.17% વધી રૂ. 210 અને આઇઆરએફસી 3.95% સુધરી રૂ. 143 થઇ ગયા હતા. મિડકેપ સિલેક્ટનો એસઆરએફ 3.78% વધી રૂ. 2585 અને પોલિકેબ સવા ત્રણ ટકા સુધરી રૂ. 6665ના સ્તરે બંધ હતા. આ ઇન્ડેક્સના ઘટેલા શેરોમાં નોંધ લેવા લાયક વોલ્ટાસ સવા બે ટકા ઘટી રૂ. 1588 થઇ ગયો હતો. નિફ્ટી બેન્કનો બેન્ક ઓફ બરોડા સવા ત્રણ અને કેનેરા બેન્ક ત્રણ ટકા વધી અનુક્રમે રૂ. 229 અને રૂ. 97ના સ્તરે વિરમ્યા હતા. એ. યુ. બેન્ક પણ 3 ટકા સુધરી રૂ. 604 રહ્યો હતો. નિફ્ટી ફાઇનેન્સીયલ સર્વીસીસના એચડીએફસીલાઇફ ઉપરાંત એસબીઆઇ કાર્ડ પણ પોણાચાર ટકા સુધરી રૂ. 763 બંધ હતો.
માર્કેટ કેપીટલાઇઝેશન, બ્રેડ્થ સુધરી
0.42% સુધરી 77042.82 બંધ આપનાર સેન્સેક્સના 30માંથી 20 શેરો અને 1.12% વધી 55945.06 બંધ આપનાર બેન્કેક્સના તમામ 10 શેરો વધ્યા હતા. નિફ્ટીના 50માંથી 33, નિફ્ટી નેક્સ્ટના 50માંથી 45, મિડકેપ સિલેક્ટના 25માંથી 20, ફાઇનેન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સના તમામ 20 શેરો અને બેન્ક નિફ્ટીના બારેબાર શેરો વધીને બંધ રહ્યાં હતા. એનએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન વધીને રૂ. 425.54(421.53) લાખ કરોડ અને બીએસઇ લીસ્ટેડ શેરોનું રૂ. 428.40(424.31) લાખ કરોડ હતુ. એનએસઇના 2856 ટ્રેડેડ શેરોમાંથી 2083 તથા બીએસઇના 4067 ટ્રેડેડ શેરોમાંથી 2725 વધીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ સુધરી હતી. એનએસઇ ખાતે 24 અને બીએસઇમાં 98 શેરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 35 અને 63 શેરો 52 વીક લો પર હતા. એનએસઇના 135 શેરો ઉપલી સર્કીટે અને 33 શેરો નીચલી સર્કીટે પહોંચ્યા હતા.
FIIની નેટ વેચવાલી
ગુરૂવારે એફઆઇઆઇની રૂ. 4341 કરોડની નેટ વેચવાલી રહી હતી. ડીઆઇઆઇની રૂ. 2928 કરોડની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કેશ સેગ્મન્ટમાં ઓવરઓલ રૂ. 1413 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)