સેન્સેક્સમાં 1017નો કડાકો, નિફ્ટી 16200ની બોર્ડર પર

  • નિફ્ટી આગામી સપ્તાહની શરૂઆતમાં 15900 અને ત્યારબાદ 15750 સુધી ઘટે તેવી દહેશત
  • શુક્રવારની ઘટાડાની ચાલમાં બીએસઇનું માર્કેટકેપ રૂ. 3.11 લાખ કરોડ તૂટી રૂ. 251.84 લાખ કરોડે
  • ઓઇલ- એનર્જી, બેન્કીંગ- ફાઇનાન્સ, આઇટી- ટેકનોલોજી સેક્ટોરલ્સ જોડીમાં 2 ટકા સુધી તૂટ્યાં

બીએસઇ માર્કેટ બ્રેડ્થ સતત નેગેટિવ

ટ્રેડેડસુધર્યાઘટ્યા
34291221 (35.61%)2101 (61.27%)

ગુરુવારે સેન્સેક્સે નોંધાવેલો 427.79 પોઇન્ટનો સુધારો છેતરામણો સાબિત થવા સાથે શુક્રવારે સેન્સેક્સ 560 પોઇન્ટના ગેપડાઉનથી જ ખૂલી ઇન્ટ્રા-ડે 1114 પોઇન્ટ અને છેલ્લે 1017 પોઇન્ટના કડાકા સાથે 54303 પોઇન્ટ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી-50 પણ તેની તમામ ટેકાની સપાટીઓ તોડી નીચામાં હવે 16200 પોઇન્ટની બોર્ડર ઉપર ઊભો છે. જ્યાં હવે નિષ્ણાતો પણ માથું ખંજવાળી રહ્યા છે કે, માર્કેટમાં મંદી વકરશે કે, સોમવારથી રાહત રેલી જોવા મળી શકે છે.

ECB વ્યાજ દર ગાઇડેન્સ પછી વર્લ્ડ માર્કેટ્સમાં જોવા મળેલી નબળાઈને પગલે અને આજે  જાહેર થયેલા યુએસ ફુગાવાના ડેટાની નકારાત્મક અસર નીચે નિફ્ટીએ ડેઇલી તેમજ વિકલી ચાર્ટ ઉપર બેરિશ કેન્ડલ રચી છે. જેમાં ઓપનિંગ કરતાં ક્લોઝિંગ લેવલ નીચું હતું.

ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 16400 પોઇન્ટ અને ત્યારબાદ 16250 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની સપાટીઓ તોડી નાંખી હોવાથી આગામી સપ્તાહે 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તૂટવાની તેમજ 15900 અને ત્યારબાદ 15750 પોઇન્ટ સુધી ઘટે તેવી દહેશત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 સૂચકાંકો અનુક્રમે 0.83 ટકા અને 1.1 ટકાના ઘટાડા સાથે વ્યાપક બજારોમાં પણ નીચા વેપાર થયા હતા, કારણ કે NSE પર દરેક આગળ વધતા શેર માટે બે કરતાં વધુ શેરો ઘટ્યા હતા.

બેન્કિંગ નિફ્ટીઃ બેન્કિંગ ઇન્ડેક્સે પણ ડેઇલી તેમજ વીકલી સ્કેલ ઉપર બેરિશ કેન્ડલ રચી છે. તે ઉપરાંત 34750 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી નીચે ઉતર્યો છે. જ્યાં સુધી તે 34750 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહે નહિં, ત્યાં સુધી 34250- 3400ના સ્તર તરફ વધુ નબળાઇ જોવા મળી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે.

સેન્સેક્સના 1017 પોઇન્ટના ઘટાડામાં ટોપ-5 કોન્ટ્રીબ્યુટર્સ

સ્ક્રીપછેલ્લોઘટાડો રૂ.કોન્ટ્રીબ્યુશન (પોઇન્ટ)
RELIANCE2,714.00-84.60-258.39
HDFC2,179.55-86.00-137.92
INFY1,477.15-37.45-121.30
HDFCBANK1,350.65-26.70-103.51
KOTAKBANK1,792.10-73.80-85.55

LIC નવી નીચી સપાટીએ

શુક્રવારે એલઆઇસીનો શેર વધુ રૂ. 12.25 (1.70 ટકા)ના ઘટાડા સાથે રૂ. 709.70ની સપાટીએ બંધ રહ્યો તે અગાઉ ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 708.70ની નવી નીચી સપાટી નોંધાવી હતી.

સેન્સેક્સમાં સાપ્તાહિક 1466 પોઇન્ટની મંદી

સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 1466 પોઇન્ટનો ઘટાડો નોંધાવવા સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 5.16 લાખ કરોડનો જંગી કડાકો નોંધાયો છે.