NSEએ ‘ડુ નોટ એક્સરસાઈઝ’ સુવિધા રદ્દ કરી
અમદાવાદ, 23 માર્ચઃ સ્ટોક માર્કેટના ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સે આગામી નાણાકીય વર્ષથી વધારાની સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે NSEએ તેમના માટે 30મી માર્ચ 2023થી ‘ડૂ નોટ એક્સરસાઇઝ’ (DNE) સુવિધા રદ કરવાનો નિર્ણય લીધો છે. DNE સુવિધા 29મી માર્ચ 2023ની સમાપ્તિ સુધી ઉપલબ્ધ રહેશે અને આગામી મહિનાથી સ્ટોક ઓપ્શન ટ્રેડર્સ માટે કોઈ DNE સુવિધા નહીં હોય. જો કે, ઈન્ડેક્સ ઓપ્શન ટ્રેડર્સ માટે સુવિધા ચાલુ રહેશે.
શેરબજારના નિષ્ણાતોના મતે, આનાથી ઓપ્શન ટ્રેડ વોલ્યુમ પર નકારાત્મક અસર પડશે કારણ કે સ્ટોક ઓપ્શન ટ્રેડમાં મંથલી ઓપ્શન સમાપ્ત થયા પછી ઓટો સ્ક્વેર ઓફની સુવિધા મળશે નહીં. હવે, સેટલમેન્ટ કેશ ડિલિવરી સેગમેન્ટમાં ટ્રેડર્સે ડિલિવરી લેવા માટે જરૂરી માર્જિન ચૂકવવું પડશે. માર્જિન ખૂબ ઊંચું હશે અને જો તેઓએ તેમના ડીમેટ ખાતામાં સંપૂર્ણ રકમ રાખ્યા વિના ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગ માટે સોદો કર્યો હશે તો તેઓએ વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવવી પડશે.
DNE સુવિધાને રદ કરવાના NSEના આ પગલાની ભારતના F&O ટ્રેડર્સ પર કેવી અસર પડશે તે અંગે પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, વર્તમાન DNE સુવિધામાં, સ્ટોક ઓપ્શન ટ્રેડરને ઓટો સ્ક્વેર ઑફની સુવિધા છે. તેથી, જો કોઈ ઓપ્શન ટ્રેડર સ્ટ્રાઈક બાદ તેની સ્થિતિ છોડશે તો તે આપોઆપ સ્ક્વેર ઓફ થઈ જશે અને સ્ટ્રાઈક માટે વપરાયેલા માર્જિન મની સિવાયની બાકીની રકમ ચૂકવવાની જરૂર નથી. પરંતુ, આગામી મહિનાથી, આ ઓટો સ્ક્વેર ઑફ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં અને તેમાં સેટલમેન્ટ માટે ડિલિવરી લેવી પડશે. જેના માટે ટ્રેડરે ડીમેટ એકાઉન્ટમાં માર્જિન મની જમા કરાવવાના રહેશે. તે F&O ટ્રેડર્સ પર કેવી અસર કરશે તે સમજાવતાં, IIFL સિક્યોરિટીઝના રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ધારો કે તમે ₹2000 પર 300ની સાઇઝ સાથે કોલ ઓપ્શન ધરાવો છો. DNE સુવિધાની ગેરહાજરીમાં, જો તમે તમારી સ્ટ્રાઈક ઓપન રાખી હોય તો, આવતા મહિનાથી લાગુ થનારા નવા NSE F&O નિયમો હેઠળ ડિલિવરી લેવા માટે તમારે ₹6 લાખ (₹2000 x 300) ચૂકવવા પડશે.