NSEએ 22 કરોડ ઇન્વેસ્ટર્સ એકાઉન્ટ્સનો આંક પાર કર્યો
મુંબઇ, 15 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ એપ્રિલ 2025માં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. એનએસઈએ કુલ ઇન્વેસ્ટર્સ એકાઉન્ટ્સ એટલે કે યુનિક ક્લાયન્ટ કોડ્સ (યુસીસી)માં 22 કરોડ (220 મિલિયન)નો આંકડો વટાવ્યો છે. ઓક્ટોબર 2024માં 20 કરોડ (200 મિલિયન)નો આંક વટાવ્યાના માત્ર છ જ મહિનામાં આ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંકડો 20 જાન્યુઆરી, 2025ના રોજ 11 કરોડ (110 મિલિયન)ના આંકને વટાવીને 11.3 કરોડ (31 માર્ચ, 2025ના રોજ) રહ્યો છે.
3.8 કરોડ ઇન્વેસ્ટર્સ સાથે મહારાષ્ટ્ર ટોચે, ગુજરાત 3જા ક્રમે
એક રોકાણકાર વિવિધ બ્રોકર્સ સાથે એકાઉન્ટ્સ જાળવી શકે છે જેના લીધે એકથી વધુ ક્લાયન્ટ કોડ્સ બને છે. 3.8 કરોડ ઇન્વેસ્ટર્સ એકાઉન્ટ્સના સર્વોચ્ચ આંકડા સાથે મહારાષ્ટ્ર આ મામલે સૌથી આગળ છે જેના પછી ઉત્તર પ્રદેશ (2.4 કરોડ), ગુજરાત (1.9 કરોડ) અને રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળ (પ્રત્યેક અંદાજે 1.3 કરોડ) આવે છે. સાથે મળીને આ રાજ્યો કુલ એકાઉન્ટ્સના લગભગ 49 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે ટોચના 10 રાજ્યો કુલ સંખ્યાનો લગભગ ત્રીજો ભાગ ધરાવે છે.
બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે છેલ્લા પાંચ વર્ષમાં મજબૂત એવું 22 ટકાનું એન્યુઅલાઇઝ્ડ રિટર્ન્સ આપ્યું છે જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સે 25 ટકાનું એન્યુઅલાઇઝ્ડ રિટર્ન આપ્યું છે જે આ સમયગાળા દરમિયાન રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ સર્જન દર્શાવે છે. એનએસઈનું ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (આઈપીએફ) 31 માર્ચ, 2025ના રોજ વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 2,459 કરોડ રહ્યું છે.
એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે ભારતનો રોકાણકાર આધાર ઝડપથી વધવાનું ચાલુ રહ્યો છે જેમાં છ જ મહિનામાં 2 કરોડથી વધુ નવા એકાઉન્ટ્સ ઉમેરાયા છે. આ આંકડા વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા છતાં ભારતના વિકાસના ક્ષેત્રે મજબૂત રોકાણકાર વિશ્વાસનો સ્પષ્ટ સંકેત આપે છે. આ ઉછાળો ઝડપી બનેલા ડિજિટલ પરિવર્તન અને મોબાઇલ ટ્રેડિંગની વધતી સ્વીકૃતિને આભારી છે જેણે ટિયર 2, 3 અને 4 શહેરોના રોકાણકારો માટે મૂડી બજારોને વધુ સુલભ બનાવ્યા છે. આ વિકાસ બહોળા પ્રમાણમાં નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમો તથા સરળ બનેલી કેવાયસી પ્રોસેસીસ સહિત ગહન બનેલી રિટેલ સહભાગિતા તરફની વિશિષ્ટ પહેલની સફળતા પણ દર્શાવે છે. ઇક્વિટી, ઇટીએફ, આરઈઆઈટી, InvITs અને બોન્ડ્સ જેવા વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સહભાગિતા વધી છે ત્યારે આ સીમાચિહ્ન ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ પરિપક્વ થઈ રહી હોવાના સંકેત આપે છે જ્યાં ટેક્નોલોજી રોકાણની તકોને સુલભ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.