RBI એ રેપોરેટ 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, નિફ્ટી 21 હજાર ક્રોસ
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી બેઠકે વ્યાજદરો જાળવી રાખ્યા છે. જેના પગલે શેરબજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટી 21006.10ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. સેન્સેક્સ પણ 69888.33 પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ 300 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
એમપીસીના તમામ સભ્યોએ રેપો રેટ પાંચમી વખત 6.5 ટકાના દરે જાળવી રાખ્યો છે. દેશનું અર્થતંત્ર સ્થિર બન્યું છે. જો કે, વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓનો દોર જારી છે. જીડીપીના મજબૂત આંકડાઓના પગલે આરબીઆઈએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવા નિર્ણય લીધો છે.
શેરબજારનો મોમેન્ટમ મજબૂત બન્યો છે. નિફ્ટી50ના 19 શેરો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી પાંચ ઘટાડે જ્યારે 25 સ્ક્રિપ્સ 4 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહી છે. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાનું સંકેત આપે છે.
સ્ટોક માર્કેટ બુલિશ
શેરબજારમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં કિંમત આધારિત શોર્ટ ટર્મ કરેક્શન જોવા મળી શકે છે. તમામ પરિબળો તેજીનો સંકેત આપે છે. છેલ્લા બે સેશનથી સપોર્ટ લેવલ 20850 જાળવી રાખ્યો છે. નિફ્ટી 20500-20300નો સપોર્ટ જાળવી રાખે તો તેજી જારી રહેશે. – સમિત ચ્વહાણ, હેડ ઓફ રિસર્ચ (ટેક્નિક્લ એન્ડ ડેરિવેટિવ્ઝ), એન્જલ વન
IREDAનો શેર 14 ટકા ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ
ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ બમ્પર લિસ્ટિંગ બાદ આજે ફરી પાછો 14 ટકાથી વધુ ઉછાળો નોંધાવી 73.67ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. જે 11 વાગ્યે 13.50 ટકા ઉછાળા સાથે 72.87ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ઈરડાએ લિસ્ટિંગના પંદર દિવસમાં જ આઈપીઓ રોકાણકારોને 130 ટકા રિટર્ન આપ્યું છે. ટાટા ટેક્નોલોજીસનો શેર આજે 1.73 ટકા સુધારા સાથે 1206.35 પર કારોબાર થઈ રહ્યો હતો.
સ્ક્રિપ્સ | કિંમત | તફાવત |
NDTV | 274.10 | -5.19% |
ADANI GREEN ENERGY | 1,547.70 | -4.72% |
ADANI ENERGY SOLUTIONS | 1,148.50 | -4.10% |
ADANI WILMAR | 385.25 | -2.58% |
ADANI POWER | 553.00 | -1.61% |
AMBUJA CEMENT | 500.45 | -0.92% |
ADANI PORTS & SEZ | 1,031.75 | -0.75% |
ACC | 2,135.80 | -0.27% |
ADANI TOTAL GAS | 1,156.60 | -0.21% |
અદાણીના શેરો 5 ટકા સુધી તૂટ્યા
અદાણીના શેરોમાં છેલ્લા એક સપ્તાહથી જોવા મળેલી તેજીએ આજે વિરામ લીધો છે. NDTVના શેર 5.19 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ગૌતમ અદાણીની નેટવર્થ 1.83 અબજ ડોલર વૃદ્ધિ સાથે 88 અબજ ડોલર થઈ છે. આ સાથે ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સમાં 14માં ક્રમે પહોંચ્યા છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેમના તમામ પોર્ટ ઓપરેશન 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જે 2040ના નેટ ઝીરો પોર્ટ ઓપરેશનના વિઝનને અનુરૂપ છે.