Results: તાતા પાવરનો નફો 31 ટકા વધ્યો, રૂ. 1.75 ડિવિડન્ડ
તાતા પાવરનો માર્ચ ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ટકા વધી રૂ. 632 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 481.21 કરોડ હતો. ત્રિમાસિક આવકો 16 ટકા વધી રૂ. 12085 કરોડ (રૂ. 10379 કરોડ) થઈ છે. 2021-22માં ચોખ્ખો નફો વધી રૂ. 2155.61 કરોડ (રૂ. 1438.65 કરોડ) નોંધાયો છે. વાર્ષિક આવકો પણ 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 42576 કરોડ (રૂ. 33239 કરોડ) થઈ છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 1.75 ડિવિડન્ડ જાહેર કર્યુ છે. તાતા પાવરના સીઈઓ અને એમડી પ્રવિર સિંહાએ જણાવ્યુ હતુ કે, અમારો રિન્યુએબલ એનર્જીનો ટ્રેક રેકોર્ડએ વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કર્યા છે. વધતી ઉર્જાની માગ રિન્યુએબલ એનર્જીના ગ્રોથને વેગ આપશે.
રિલાયન્સ હોમ ફાઈ.ની ખોટ વધી
દેવાના બોજા હેઠળ રિલાયન્સ હોમ ફાઈનાન્સે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 4522.19 કરોડની ચોખ્ખી ખોટ કરી છે. જે ગતવર્ષે રૂ. 444.62 કરોડ હતી. કુલ આવકો 16.35 ટકા ઘટી રૂ. 162.08 કરોડ થઈ છે. અનિલ અંબાણીની ડિફોલ્ટર હોમ ફાઈ. કંપની પર કુલ રૂ. 10123 કરોડનું દેવુ તેમજ રૂ. 5967 કરોડના ડિબેન્ચર બાકી છે.
સીએસબી બેન્કનો નફો વધી 131 કરોડ
સીએસબી બેન્કનો ચોખ્ખો નફો અનેકગણો વધી રૂ. 130.67 કરોડ (રૂ. 43 કરોડ) અને કુલ આવકો વધી રૂ. 583.17 કરોડ (રૂ. 560.87 કરોડ) થઈ છે. નેટ એનપીએ ઘટી 0.68 ટકા થઈ છે.
કેનેરા બેન્કના નફામાં 84 ટકા વૃદ્ધિ
કેનેરા બેન્કનો માર્ચ ત્રિમાસિક નફો 84 ટકા વધ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 1065.09 કરોડ સામે આ વર્ષે રૂ. 1969.04 કરોડ થયો છે. કુલ આવકો વધી રૂ. 24518.42 કરોડ (રૂ. 23292.18 કરોડ) નોંધાઈ છે. બેન્ક ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોસ એનપીએ ઘટાડી 6 ટકા કરવાની યોજના ધરાવે છે.
ફેડરલ બેન્કની નેટ એનપીએ ઘટી 0.96 ટકા
ફેડરલ બેન્કનો ત્રિમાસિક ચોખ્ખો નફો 13.2 ટકા વધી રૂ. 541 કરોડ (રૂ. 478 કરોડ) અને કુલ આવકો વધી રૂ. 3948.24 કરોડ (રૂ. 3843.87 કરોડ) નોંધાઈ છે. વાર્ષિક ચોખ્ખો નફો 18.8 ટકા વધ્યો છે. નેટ એનપીએ 1.19 ટકાથી ઘટી 0.96 ટકા (રૂ. 1392.62 કરોડ) થઈ છે.
પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો નફો 14 ટકા વધ્યો
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ લીમીટેડે ત્રિમાસીકગાળા દરમિયાન કુલ વેચાણ રૂ 262 કરોડ કર્યું હતું જે ગત વર્ષના રૂ. 214 કરોડની સામે 23 ટકા વધુ હતું. ટેક્સ બાદનો નફો (પીએટી) રૂ. 51.2 કરોડ રહ્યો હતો જે ગત વર્ષની સરખામણીએ 224 ટકા વધુ રહ્યો હતો. પુરા થતાં નવ મહિના દરમ્યાનનું પીએટી ઉંચા ફગાવાના દબાણ છતાંય ગત વર્ષના રૂ. 143 કરોડ થી વધીને રૂ 151 કરોડ રહ્યું હતું.