RIL Q4 RESULTS: આવકો 10.8 ટકા વધી રૂ. 264834 કરોડ, ચોખ્ખો નફો 21243 કરોડ, રૂ. 10 ડિવિડન્ડ જાહેર
વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 1,000,122 કરોડ ($119.9 બિલિયન), વાર્ષિક ધોરણે 2.6%ની વૃધ્ધિ | વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 178,000 કરોડ ($21.4 બિલિયન), વાર્ષિક ધોરણે 16.1%ની વૃધ્ધિ | વાર્ષિક કોન્સોલિડેટેડ PBT 100000 કરોડ ક્રોસ રૂ.104727 કરોડ, વાર્ષિક ધોરણે 11.4% વૃધ્ધિ |
અમદાવાદ, 22 એપ્રિલઃ દેશની ટોપ માર્કેટવેલ્યૂ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ-24ના અંતે પુરાં થયેલાં ત્રિમાસિક તેમજ વર્ષ માટે બજારની ધારણા કરતાં વધુ સારા પરીણામો જાહેર કર્યા છે. ત્રિમાસિક પરીણામો અનુસાર કંપનીની આવકો 10.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 264834 કરોડ (રૂ. 238957 કરોડ) નોંધાઇ છે. જ્યારે ચોખ્ખો નફો 0.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 21243 કરોડ (રૂ. 21227 કરોડ) નોંધાયો છે.
વાર્ષિક પરીણામો અનુસાર કંપનીની આવકો રૂ. 1000122 કરોડ (રૂ. 974864 કરોડ) અને ચોખ્ખો નફો રૂ. 79020 કરોડ (રૂ. 73670 કરોડ) નોંધાવ્યા છે. કંપનીએ શેરદીઠ રૂ. 10નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.
જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 20,000 કરોડને પાર | રિલાયન્સ રીટેલનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 10,000 કરોડને પાર |
આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “RILના વ્યાપારમાં નવતર પહેલોએ ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિને વેગવાન બનાવવામાં અદ્દભુત યોગદાન આપ્યું છે. તમામ સેગમેન્ટે સર્વોત્તમ નાણાકીય તેમજ ઓપરેટિંગ પ્રદર્શન કર્યું છે. આનાથી કંપનીને અનેકવિધ સીમાચિહ્નો સર કરવામાં મદદ મળી છે. મને એ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે, આ વર્ષે રિલાયન્સ કરવેરા-પૂર્વેના નફામાં રૂ. ₹ 100,000 કરોડના સ્તરને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.
મોબિલિટી તેમજ ફિક્સ્ડ વાયરલેસ સર્વિસીઝ એમ બંનેના સહયોગથી સબસ્ક્રાઈબર બેઝના તેજ ગતિએ વિસ્તરણને પગલે ડિજિટલ સર્વિસીઝ સેગમેન્ટનું પ્રદર્શન વેગવાન બન્યું છે. 108 મિલિયન ટ્રુ 5G ગ્રાહકો સાથે, જિયો ખરા અર્થમાં ભારતમાં 5G પરિવર્તનનું સુકાની બન્યું છે. તમામ 2G યુઝર્સને સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાથી માંડીને AI-ચલિત સોલ્યુશન્સ પેદા કરવાના પ્રયાસોમાં અગ્રેસર રહેવા સુધીના દરેક તબક્કે જિયોએ દેશના ડિજિટલ માળખાને મજબૂત બનાવવામાં પોતાની ક્ષમતા પૂરવાર કરી છે.
રિલાયન્સ રિટેલે સ્ટોર્સના રિ-મોડલિંગ તેમજ લેઆઉટ્સને નવું સ્વરૂપ પ્રદાન કરીને પ્રોડક્ટ નવીનીકરણ તેમજ સર્વોત્તમ ઓફલાઈન અનુભૂતિ પ્રદાન કરવાનું અમે ચાલુ રાખ્યું છે. અમારા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પણ વિશાળ બ્રાન્ડ કેટલોગ દ્વારા ઉપભોક્તાઓને નવા સોલ્યુશન્સ પૂરા પાડી રહ્યા છે. રિલાયન્સ રિટેલ પણ નવા કોમર્સ ક્ષેત્રમાં પોતાની અનોખી પહેલો દ્વારા કરોડો વેપારીઓને સશક્ત બનાવવા માટે કાર્યરત છે.
વિશ્વભરમાં ઈંધણની મજબૂત માગ, અને વૈશ્વિક રિફાઈનિંગ પ્રણાલિમાં મર્યાદિત લવચીકતાએ O2C સેગમેન્ટના માર્જિન અને નફાકારકતાને સહાયતા પૂરી પાડી છે. સમગ્ર વર્ષ દરમિયાન પાયાગત કેમિકલ ઉદ્યોગે અત્યંત પડકારજનક બજાર પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. આવી સામા વ્હેણની પરિસ્થિતિઓમાં પણ, અગ્રણી પ્રોડક્ટ પોઝિશન અને પડતર નિયંત્રણને પ્રાથમિકતા આપનારાં અમારા ઓપરેટિંગ મોડેલ દ્વારા ફીડબેક લવચીકતાને જાળવી રાખીને અમે સ્પર્ધાત્મક પરિણામો પૂરા પાડી શક્યા છીએ. KG-D6 બ્લોકે 30 MMSCMD ઉત્પાદનનો આંક હાંસલ કર્યો છે અને હવે તે ભારતના ઘરેલુ ગેસ ઉત્પાદનમાં 30% જેટલું યોગદાન આપી રહ્યો છે.
ન્યૂ એનર્જી સેગમેન્ટ સહિતના અમારા પ્રોજેક્ટ્સ અને નવતર પહેલો પ્રત્યે અમે કટિબદ્ધ છીએ, જેનાથી કંપનીને વેગ મળશે, તેમજ ભવિષ્ય માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ પૂરી પાડવામાં તેને મદદ પ્રાપ્ત થશે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)