સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ને તમામ બિન-કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં વેપાર કરવાની અને બિન-કૃષિ બેન્ચમાર્ક સૂચકાંકો પસંદ કરવાની મંજૂરી આપી છે. શરૂઆતમાં,  ફક્ત રોકડ-પતાવટ કોન્ટ્રાક્ટ્સામાં જ મંજૂરી આપવામાં આવશે. જે તમામ નોંધાયેલા FPIs માટે કોમોડિટી ડેરિવેટિવ્ઝ ક્ષેત્રે પ્રવેશવાનો માર્ગ મોકળો કરશે. આજે મુંબઈમાં મળેલી સેબીના બોર્ડે તમામ રજિસ્ટર્ડ એફપીઆઈને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી જોકે આવી ભાગીદારી અમુક શરતોને આધીન રહેશે. વિદેશી રોકાણકારો માટેની પોઝિશન મર્યાદા મ્યુચ્યુઅલ ફંડ્સ માટે લાગુ પડતી લિમિટ્સની સમકક્ષ નિર્ધારિત કરવામાં આવી છે જ્યારે વ્યક્તિઓ, ફેમિલી ઓફિસો અને કોર્પોરેટ જેવી કેટેગરીના FPIsને ચોક્કસ કોમોડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટમાં ક્લાયન્ટ લેવલ પોઝિશન લિમિટના 20 ટકાની પોઝિશન લિમિટની મંજૂરી આપવામાં આવશે. હાલમાં, માત્ર આવા વિદેશી રોકાણકારો જ ભાગ લઈ શકે છે જેઓ ફિજિકલ કોમોડિટી સેક્ટરમાં વાસ્તવિક એક્સપોઝર ધરાવતા હોય. આવા વિદેશી રોકાણકારો એલિજિબલ ફોરેન એન્ટિટી (EFE) રૂટનો ઉપયોગ કરતા હતા. જોકે તાજેતરનો નિર્ણય સેબીમાં નોંધાયેલ તમામ FPIsને કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પણ વેપાર કરવાની મંજૂરી આપશે. કેટેગરી III AIFs, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ અને મ્યુચ્યુઅલ જેવા સંસ્થાકીય રોકાણકારોને કોમોડિટી સેગમેન્ટમાં પહેલાથી જ ફંડની મંજૂરી મળેલી છે. સેબીએ ઉમેર્યું હતું કે FPIs માટે કોઈ વધારાના જોખમ વ્યવસ્થાપન પગલાં સૂચવવા જરૂરી છે કે કેમ તે તપાસવા માટે નિયમનકારી સંસ્થા અને બજારના સહભાગીઓના પ્રતિનિધિઓનું એક કાર્યકારી જૂથ પણ રચવામાં આવ્યું છે. કેપિટલ માર્કેટ વોચડોગના બોર્ડે કોર્પોરેટ બોન્ડ રેપો ટ્રાન્ઝેક્શનના ક્લિયરિંગ અને સેટલમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મેનેજર્સ અને લિમિટેડ પર્પઝ ક્લિયરિંગ કોર્પોરેશન (LPCC) સાથે સંબંધિત નિયમનકારી માળખામાં કેટલાક સુધારાઓને પણ મંજૂરી આપી હતી.

કોમોડિટી બજારોને વૈશ્વિક બજારો સાથે સાંકળી લેવાનું મહત્વનું પગલું

FPI રૂટ દ્વારા ભારતીય એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ (ETCD) માર્કેટમાં વિદેશી સંસ્થાઓને ભાગ લેવાની મંજૂરી આપવાના સેબીના નિર્ણયને અમે આવકારીએ છીએ. જો કે તેઓએ સહભાગિતાને હમણાં માટે માત્ર બિન-કૃષિ અને રોકડ પતાવટ કરારો સુધી મર્યાદિત કરી છે, તે આપણા બજારોની પહોંચને વિસ્તારવા તરફ એક નાનું પગલું હોઈ શકે છે. જેમ જેમ ભારત આર્થિક રીતે આગળ વધે છે તેમ તેમ આપણા કોમોડિટી બજારોને વૈશ્વિક બજારો સાથે સાંકળી લેવાનું મહત્વનું છે, તેથી આ પગલું મૂડીના મુક્ત પ્રવાહ અને વિદેશીઓ દ્વારા વેપારમાં સરળતા માટેના દરવાજા ખોલે છે જે કિંમતોના તફાવતને ઘટાડશે અને તરલતા વધારવામાં મદદ કરશે.– Mr. Kishore Narne, Head – Commodities and Currencies, MOFSL