KSBL અને પ્રમોટર પર 7 વર્ષનો પ્રતિબંધ, 21 કરોડની પેનલ્ટી
નવી દિલ્હી, 30 એપ્રિલઃ કાર્વી અને તેના પ્રમોટર સામે ક્લાયન્ટના પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી ફંડનો ગેરઉપયોગ કરવા બદલ સેબીએ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (Karvy Stock Broking Ltd) અને તેના પ્રમોટર સી પાર્થસારથી (Comandur Parthasarathy) પર સાત વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. જે બંને આગામી સાત વર્ષ સુધી સિક્યોરિટી માર્કેટમાં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ કરી શકશે નહીં. આ સાથે માર્કેટ રેગ્યુલેટરે બંનેને કુલ રૂ. 21 કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. કેએસબીએ ગ્રાહકોની સિક્યોરિટીઝ ગીરવે મૂકીને એકત્ર કરેલા ભંડોળની ઉચાપત પણ કરી હતી. માર્કેટમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાની સાથે રેગ્યુલેટરે KSBL પર 13 કરોડ રૂપિયા અને પાર્થસારથી પર 8 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. પાર્થસારથી કંપનીના પ્રમોટર તેમજ મેનેજિંગ ડિરેક્ટર હતા.
પાર્થસારથી 10 વર્ષ સુધી કોઈ કંપનીમાં ડાયરેક્ટર બની શકશે નહીં
સેબીના આદેશ અનુસાર, પાર્થસારથી આગામી 10 વર્ષ સુધી કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે અન્ય કોઈ મહત્વપૂર્ણ પદ પર કામ કરી શકશે નહીં. તત્કાલિન ડિરેક્ટર ભગવાન દાસ નારંગ અને જ્યોતિ પ્રસાદ પર પણ બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેગ્યુલેટરે બંને ડિરેક્ટર્સને પાંચ-પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી કરી છે. પેનલ્ટી 45 દિવસની અંદર ભરવાની રહેશે.
નિયમનકારે કાર્વી રિયલ્ટી અને કાર્વી કેપિટલને બ્રોકરેજ હાઉસ દ્વારા ટ્રાન્સફર કરાયેલા રૂ. 1,442.95 કરોડ પરત કરવા પણ આદેશ આપ્યો છે. આ બંને કંપનીઓને ત્રણ મહિનાની અંદર KSBLને ફંડ પરત કરવામાં નિષ્ફળ જશે તો NSE પૈસા વસૂલવા માટે આ બંને કંપનીઓની સંપત્તિ જપ્ત કરશે.આ ઉપરાંત, KSBL, પાર્થસારથી, કાર્વી રિયલ્ટી અને કાર્વી કેપિટલને KSBLના ક્લાયન્ટ્સના ફંડ્સ અને સિક્યોરિટીઝના રિફંડમાં NSEને સહકાર આપવાનો નિર્દેશ કર્યો છે.
સેબીએ શોધી કાઢ્યું હતું કે KSBL ક્લાયન્ટની સિક્યોરિટીઝને ગીરવે મૂકીને અને તેના ક્લાયન્ટ્સ દ્વારા તેને આપવામાં આવેલા પાવર ઑફ એટર્ની (PoA)નો દુરુપયોગ કરીને ભંડોળ ઊભું કરી રહ્યું છે. વધુમાં, KSBL દ્વારા ભંડોળ તેના જૂથ એકમોમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યું હતું જેથી કાયદાની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે. KSBLએ મે 2019 સુધી 9 સંબંધિત સંસ્થાઓ દ્વારા રૂ 485 કરોડની વધારાની સિક્યોરિટીઝ વેચી હતી, જેમાં તેના ગ્રાહકો પણ હતા. વધુમાં, KSBLએ આ 9 સંબંધિતમાંથી 6ને વધારાની સિક્યોરિટીઝ ટ્રાન્સફર પણ કરી હતી. ઓર્ડર મુજબ, KSBLનું એકંદરે ઉધાર, જે તેના ગ્રાહકોના શેર કોલેટરલ તરીકે ગીરવે મૂકીને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન એકત્ર કરી રહ્યું હતું, તે સપ્ટેમ્બર 2019 સુધીમાં રૂ. 2,032.67 કરોડ હતું અને સ્ટોક બ્રોકર દ્વારા સિક્યોરિટીઝ પ્લેજનું મૂલ્ય રૂ. 2,700 કરોડ હતું.