સોમવારે સેન્સેક્સમાં 345 પોઇન્ટનો ઉછાળો, આઇટી- ઓઇલને બાદ કરતાં વિવિધ સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ

બેન્કેક્સ, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ

સેક્ટોરલઓલટાઇમ હાઇબંધ+/-
બેન્કેક્સ50471.8850262.74302.24
ઓટો33003.6233773.03205.05
ફાઇ. સર્વિસ9223.539190.6374.17
એફએમસીજી18295.1718215.6288.22

અમદાવાદ, 29 મેઃ સેલ ઇન મે એન્ડ ગો અવે (Sell in May and Go away)ની કહેવતને ફરી એકવાર ખોટી ઠેરવવા સાથે ભારતીય શેરબજારોએ મે માસમાં ઓલટાઇમ હાઇની નજીક પહોંચવા પ્રયાસ કર્યો છે. જેમાં સેન્સેક્સ અત્યારસુધીમાં એટલેકે મે માસમાં 1734 પોઇન્ટ અને નિફ્ટી 534 પોઇન્ટ ઉછળી ચૂક્યા છે. ખાસ કરીને ચાલુ સપ્તાહની શરૂઆત સંગીન તેજીના પાયા સાથે રચાવા સાથે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 524 પોઇન્ટના ઉછાળા સાથે એક તબક્કે 63000 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 83026 પોઇન્ટની સપાટીએ આંબી ગયો હતો. પરંતુ સેકન્ડહાફમાં જોવા મળેલા પ્રોફીટ બુકિંગના કારણે સેન્સેક્સ છેલ્લે 344.69 પોઇન્ટના સુધારા સાથે 62846.38 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30માંથી 20 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી. તે પૈકી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.71 ટકા, ટાઇટન 2.48 ટકા, તાતા સ્ટીલ 1.88 ટકા, સ્ટેટ બેન્ક 1.55 ટકા, એચડીએફસી 1.53 ટકા, અલ્ટ્રાટેક 1.49 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.30 ટકા, આઇટીસી 1.22 ટકા, એચડીએફસી બેન્ક 1.20 ટકા સુધારા સાથે મુખ્ય રહ્યા હતા. જોકે, આજે આઇટી શેર્સમાં વલણ નરમ જણાયું હતું.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ઉપરમાં 18619.15 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયા બાદ છેલ્લે 99.30 પોઇન્ટના સુધારા સાથે 18598.65 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

મે માસમાં સેન્સેક્સ 1700 પોઈન્ટ ઉછળી 63000 નજીક

વિગત28-4-2329-5-23ઉછાળો (પોઈન્ટ)
સેન્સેક્સ61112.4462846.381733.94
નિફ્ટી1806518598.65533.65

ભારત ટોપ-10 વૈશ્વિક શેરબજારોમાં પાંચમાં ક્રમે

અદાણી ગ્રૂપના સંકટો પણ દૂર થતાં નજરે ચડતાં એફપીઆઈ રોકાણ વધ્યું છે. પરિણામે ભારતીય શેરબજાર આજે ફરી વિશ્વનું પાંચમુ સૌથી મોટુ શેરબજાર બન્યું છે. ભારતીય શેરબજારે જાન્યુઆરીમાં પાંચમા સૌથી મોટા સ્ટોક માર્કેટનો દરજ્જો ગુમાવ્યો હતો. ત્યારે ફ્રાન્સ વિશ્વનું પાંચમું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું હતું. ભારતીય શેરબજારોમાંથી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી દર્શાવી હતી, જો કે, હવે એપ્રિલની શરૂઆતથી ખરીદી વધારતાં 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. વધુમાં મજબૂત ત્રિમાસિક પરિણામો, જીડીપી ગ્રોથમાં વૃદ્ધિ, રિટેલ ફુગાવોમાં ઘટાડો જેવા અનેક પરિબળોની અસર શેરબજાર પર થઈ છે.

માર્ચના કરેક્શન બાદ સતત સુધારાની ચાલ

Jefferies Financial Group Inc.ના વ્યૂહરચનાકાર ક્રિસ્ટોફર વૂડે ગયા અઠવાડિયે ભારતીય શેરો પર વેઈટેજ વધાર્યું હતું. માર્ચના મધ્યમાં થોડા સમય માટે કરેક્શનનો સામનો કરનાર BSE સેન્સેક્સમાં 9 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં મોમેન્ટમ પરત આવવાને કારણે માર્કેટને પણ મજબૂતી મળી છે.

અદાણી ગ્રૂપની તમામ સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ

અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળાની મદદથી અને વિદેશી રોકાણકારોની મદદથી શુક્રવારે ભારતીય શેરબજારની માર્કેટ મૂડી $3.3 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. અદાણીની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે $15 અબજનો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે અદાણી જૂથના શેર્સની સ્થિતિ નીચે મુજબ રહી હતી.

કંપનીબંધ+/- ટકા
અદાણી એન્ટર.2533.60-0.30
અદાણી પોર્ટ737.451.45
અદાણી પાવર256.35-0.66
અદાણી ટ્રાન્સ832.35-2.17
અદાણી ગ્રીન975.451.26
અદાણી ટોટલ728.75-4.18
અદાણી વિલ્મર447.80-0.57
એસીસી1793.650.46
એનડીટીવી237.804.99