સેન્સેક્સ 59000 નજીક, 3 દિવસમાં 1577 પોઇન્ટ તૂટ્યો,
શુક્રવારે સુસ્તી બાદ RBI બેઠક ઉપર નજર રહેશે
- કોર્પોરેટ કંપનીઓના પરિણામ દબાણ હેઠળ રહેશે
- FIIની આક્રમક 5010 કરોડની વેચવાલી
- ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટ્યો
સેન્સેક્સ ગુરુવારે સતત ત્રીજા દિવસે વધુ 575.46 પોઇન્ટ ઘટી ફરી 59000 પોઇન્ટની નજીક 59034.95 બંધ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 1577 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 414 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટી 168.10 પોઇન્ટના ઘટાડા સાથે ગુરુવારે 17639.55 પોઇન્ટ બંધ રહ્યો હતો.
માર્કેટમાં શુક્રવારે પણ સુસ્તીનો ટોન રહી શકે
આરબીઆઇની પોલિસી પૂર્વે માર્કેટમાં ટોન સુસ્તીનો રહેવા સાથે નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે, આગામી સપ્તાહથી માર્કેટ એકતરફી ચાલ નક્કી કરે તેવી શક્યતા છે. કારણકે આરબીઆઇની પોલિસી ઉપરાંત ટોચની આઇટી કંપનીઓના પરીણામો પણ માર્કેટની ચાલ નક્કી કરશે.
રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર વધારાનો ભય, કોર્પોરેટ કંપનીઓના આગામી સપ્તાહથી રજૂ થનારા ત્રિમાસીક પરિણામો અનુમાન કરતા નબળા આવશે તેવો અહેવાલ, વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી અને રૂપિયામાં ઘટાડો જળવાતા ભારતીય શેરબજારમાં નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો છે.
આગામી સપ્તાહથી ભારતીય આઈટી કંપનીઓના નાણાકીય વર્ષ 2022ના ત્રિમાસીક પરિણામો શરૂ થશે. રોકાણકારો તેમના નફા અને ટ્રેન્ડ બંને પર નજર રાખશે. IT ક્ષેત્રના નિષ્ણાતોના મતે ડિજિટલ અને ક્લાઉડ ટ્રાન્સફોર્મેશનની મજબૂત માંગને કારણે ભારતીય આઇટી સેક્ટરનો આઉટલૂક મજબૂત રહેશે.પરંતુ ભારતની સૌથી મોટી આઈટી કંપની TCS ના પરિણામો 11 એપ્રિલના જાહેર કરશે અને ત્યારબાદ ઇન્ફોસિસના 12 એપ્રિલના જાહેર થનારા છે જેમાં કંપનીના માર્જિન દબાણ હેઠળ રહે તેવા સંકેતો છે. ઇનપૂટ કોસ્ટ વધવાના કારણે રજૂ થનારા કોર્પોરેટ પરિણામોમાં મોટા ભાગની કંપનીઓ દબાણ હેઠળ રહી હોવાથી ધારણા મુજબના નહીં રહે તેવું જાણકારોનું કહેવું છે.
સેન્સેક્સ પેકની સ્થિતીમાં ટાઇટન, એચડીએફસી, એચડીએફસી બેન્ક સૌથી વધુ ઘટ્યાં હતા. સેક્ટોરલ ઇન્ડેક્સમાં કેપિટલ ગુડ્સ, મેટલ, આઇટી, ફાઇનાન્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને ટેક્નોલોજી એક ટકાથી વધુ ઘટ્યાં હતા.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ, સેન્ટીમેન્ટ સાવચેતી ભર્યું: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3514 પૈકી 1694 સ્ક્રીપ્સમાં સુધારો અને 1714 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી ભર્યું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં 12 સ્ક્રિપ્સ વધી હતી. 185 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 12 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 17 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 3માં નીચલી સર્કિટ જોવા મળી હતી.
સ્ટોક સ્પેસિફિક એટ એ ગ્લાન્સ
વિગત બંધ +/-
ટાઇટન 2458.95 -3.24
HDFC 2462.65 -2.91%
HDFC બેન્ક 1516.90 -2.19%
એક્સિસ બેન્ક 792.05 2.38%
ICICI બેન્ક 749.05 1.12%