અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ડ્રાય બલ્ક કાર્ગો માટે શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન પૂરાં પાડતા શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા મંજૂરી પ્રાપ્ત કરવા માટે બજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં છે.

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ આઇપીઓ સંપૂર્ણપણે 2 કરોડ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ રહેશે. કંપની આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 289.4 કરોડનો ઉપયોગ સેકન્ડરી માર્કેટમાં સુપ્રામેક્સ કેટેગરીમાં ડ્રાય બલ્ક કેરિયર્સના હસ્સાંતરણ માટે તથા રૂ. 19.5 કરોડ દેવાની પુનઃચૂકવણી માટે કરવાની યોજના ધરાવે છે.

ડ્રાફ્ટ પેપર્સ મૂજબ સપ્ટેમ્બર 2025 સુધીમાં કંપનીનું કુલ દેવું રૂ. 264.54 કરોડ હતું. જામનગર સ્થિત શ્રીજી ગ્રૂપની ફ્લેગશીપ કંપની મુખ્યત્વે ભારતના પશ્ચિમ કિનારાના નોન-મેજર પોર્ટ્સ અને જેટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સપ્ટેમ્બર 2024 સુધી કંપનીએ 20થી વધુ પોર્ટ્સ અને જેટીઓ ઉપર સેવાઓ પૂરી પાડી છે, જેમાં ભારતીય પોર્ટ્સમાં કંડલા, નવલખી, મગદલ્લા, ભાવનગર, બેડી અને ધર્મતાર ખાતેના નોન-મેજર પોર્ટ્સ તથા વિદેશમાં પુટ્ટલમ પોર્ટ (શ્રીલંકા)નો સમાવેશ થાય છે. ડીએન્ડબી રિપોર્ટ મૂજબ ભારતમાં પોર્ટ્સ ખાતે કાર્ગો હેન્ડલિંગ નાણાકીય વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 10.80 ટકાના દરે વૃદ્ધિ પામીને 2,849 એમએમટી પહોંચવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2024માં 1,540 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હતું.

ગુજરાતમાં પોર્ટ્સ વધુ ઝડપી વૃદ્ધિ સાધવા સજ્જ છે, જે નાણાકીય વર્ષ 2024ના 317.20 એમએમટીથી વધીને નાણાકીય વર્ષ 2030 સુધીમાં 720 એમએમટી થવાનો અંદાજ છે, જે વાર્ષિક 17.50 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ભારતના દરિયાકાંઠે 12 મોટા અને 217 નાના પોર્ટ્સ છે. તેમાંથી 78 નોન-મેજર પોર્ટ્સ કાર્ગો હેન્ડલ કરે છે, જ્યારેકે બાકીનાનો ઉપયોગ માછીમારી માટે થાય છે.

નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (પીએટી) રૂ. 124.51 કરોડ નોંધાયો છે, જે અગાઉના રૂ. 118.89 કરોડ ની તુલનામાં વધારે હતો. નાણાકીય વર્ષ 2023-24માં કુલ આવક રૂ. 736.17 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2022-23ના રૂ. 827.33 કરોડની તુલનામાં નીચે છે.

લીડ મેનેજર્સઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઇલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)