SME IPO: M V K Agro Foodનો આઈપીઓ 34 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, 5 ટકા અપર સર્કિટ નોંધાઈ
અમદાવાદ, 7 માર્ચઃ એમવીકે એગ્રો ફૂડનો રૂ. 65.88 કરોડનો આઈપીઓ આજે એનએસઈ એસએમઈ ખાતે 34.17 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો છે. એમવીકે એગ્રો ફૂડ રૂ. 120ની ઈશ્યૂ પ્રાઈસ સામે આજે રૂ. 79ના સ્તરે લિસ્ટેડ થયા બાદ 5 ટકા અપર સર્કિટ સાથે 82.95 પર સ્થિર થયો હતો. જો કે, તે ઈશ્યૂ પ્રાઈસ સામે પ્રીમિયમ આપવામાં નિષ્ફળ રહ્યો હતો.
એમવીકે એગ્રો ફૂડના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ જોવા મળ્યા ન હતા. નાદેડ સ્થિત એમવીકી એગ્રો ફૂડનો ઈશ્યૂ કુલ 8.46 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 13.01 ગણા અને અન્ય 3.90 ગણા બીડ ભર્યા હતા. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ મહારાષ્ટ્રના નાદેડમાં ગ્રીનફિલ્ડ યુનિટ સ્થાપિત કરવા કરશે. જ્યાં તે ઈથોનોલનું ઉત્પાદન અને બાયો-સીએનજી તથા ફર્ટિલાઈઝરનું ઉત્પાદન અને બોટલિંગ કરશે. વધુમાં જનરલ કોર્પોરેટ હેતૂઓ પૂર્ણ કરશે.
કંપનીની આવકો ગત નાણાકીય વર્ષમાં 29.18 ટકા ઘટી હતી. જ્યારે ચોખ્ખો નફો 18.02 ટકા વધ્યો હતો. કંપનીના માથે 30 સપ્ટેમ્બર-23 સુધીમાં કુલ 62.81 કરોડનું દેવુ છે. નેટવર્થ 17.67 કરોડ છે. કંપનીનો ચોખ્ખો નફો 2020-21માં રૂ. 1.4 કરોડ, 2021-22માં રૂ. 3.19 કરોડ અને 2022-23માં રૂ.3.77 કરોડ નોંધાયો હતો. જ્યારે આવકો અનુક્રમે રૂ. 114.45 કરોડ, 116.02 કરોડ, અને 154.72 કરોડ થઈ હતી.
એમવીકે એગ્રો રૂ. 120ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 65.88 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. માર્કેટ લોટ 1200 શેર્સ હતા. ઈશ્યૂ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાયો હતો. પ્રમોટર્સે ફ્રેશ ઈશ્યૂ મારફત આ ફંડ એકત્ર કર્યુ હતું. લિસ્ટિંગ બાદ પ્રમોટરનો કંપનીમાં હિસ્સો 100 ટકાથી ઘટી 64.56 ટકા થયો છે.