નવી દિલ્હી, 7 માર્ચ: પાવર ટ્રાન્સમિશન કંપની સ્ટર્લાઇટ પાવરે લકડિયા-વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ લિમિટેડ (એલવીટીપીએલ)ને સફળતાપૂર્વક શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભૂજ અને કચ્છના રિન્યૂએબલ સમૃદ્ધ વિસ્તારોમાંથી 5000 મેગાવોટથી વધારે વીજળીનો પુરવઠો રાષ્ટ્રીય ગ્રીડને પ્રદાન કરવાનો છે. રૂ. 2,024 કરોડના રોકાણ સાથે નિર્મિત આ આંતર-રાજ્ય ટ્રાન્સમિશન જોડાણ 335 કિલોમીટરની લંબાઈ ધરાવતી 765 કિલોવોટ ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇન મારફતે લકડિયાથી વડોદરા સુધી 765/400 કિલોવોટ સબસ્ટેશનને જોડે છે. ગુજરાતમાં સાત જિલ્લાઓમાં પથરાયેલા 812 ટાવર સાથે આ પાવર ટ્રાન્સમિશન કોરિડોર અત્યાર સુધી ભારતમાં નિર્મિત સૌથી મોટા ટ્રાન્સમિશન કોરિડોર પૈકીનો એક પણ છે. ઉપરાંત આ કચ્છમાં વિશ્વના આગામી સૌથી મોટા 30,000 મેગાવોટ હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનો મહત્વપૂર્ણ ભાગ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક અગ્રવાલે જણાવ્યું કે 5000 મેગાવોટ ગ્રીન પાવર પ્રદાન કરવાનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જે ભારતની વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટના ભારતના આરઇ વિઝનને વેગ આપશે.