સેન્સેક્સ 760 પોઇન્ટ ઉછળી 54500 ક્રોસ, નિફ્ટીએ 16250ની રેઝિસ્ટન્સ ક્રોસ

ભારતીય શેરબજારમાં સુધારો ધીરે ધીરે મક્કમ બનવા સાથે તેજી તરફી ટ્રેન્ડની શરૂઆત થઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં મજબૂતી, ક્રૂડઓઇલમાં ઘટાડો, દેશમાં ઉત્તમ ચોમાસું અને ખેડૂતોની આવકમાં 1.3-1.7 ગણી વૃદ્ધિના સથવારે સેન્સેક્સ 760.37 પોઇન્ટ ઉછળ્યો હતો. વૈશ્વિક વલણોને કારણે મજબૂત ખરીદીને પગલે સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ 760.37 પોઈન્ટ વધીને 54521.15 પર બંધ રહ્યો છે. જોકે ઇન્ટ્રા-ડે 795.88 પોઈન્ટ વધીને 53760.78 સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 229.30 પોઈન્ટ વધીને 16278.50 પર બંધ રહ્યો છે. બીએસઇ માર્કેટકેપ રૂ. 4 લાખ કરોડ વધીને 255.40 લાખ કરોડ નજીક પહોંચી છે. મજબૂત યુએસ રિટેલ સેલ્સ ડેટાએ વૈશ્વિક ઇક્વિટીઝને ખૂબ જ જરૂરી આશાવાદ પૂરો પાડતા 75bps કરતા વધુ આક્રમક દર વધારાની ચિંતાઓને ઓછી કરી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક ચાલુ સપ્તાહમાં મળનારી મીટિંગમાં પ્રથમ વખત તેના વ્યાજ દરોમાં વધારો કરે તેવા સંકેતો છે. એશિયન બજારોમાં ઉછાળાને પગલે ભારતીય શેરબજારો પોઝિટીવ ખુલ્યા હતા. સેન્સેક્સ પેકમાં 23 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ 4.36 ટકા વધ્યો હતો. જ્યારે બજાજ ફિનસર્વ 3.46 ટકા, એક્સિસ બેન્ક 3.31 ટકા, કોટક બેન્ક 3.25 ટકા, ICICI બેન્ક 2.78 ટકા અને SBI 2.35 ટકા વધ્યા છે. બીજી તરફ ડૉ. રેડ્ડીઝમાં સૌથી વધુ 1.7 ટકાનો ઘટાડો થયો હતો. 103 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 27 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 6 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 5માં નીચલી સર્કિટ જોવા મળી હતી.

આઇટી, ઓઇલ- ગેસ સેક્ટર્સમાં સંગીન સુધારો

આઇટી, ઓઇલ અને ગેસ અને બેન્કિંગ શેર્સમાં મજબૂતાઇ. IT સૌથી વધુ 3.07 ટકા, ટેક 2.96 ટકા,મેટલ 2.72 ટકા,બેન્ક 2.08 ટકા કેપિટલ ગુડ્સ 1.96 ટકા વધ્યા હતા. મિડકેપ 1.49 ટકા અને સ્મોલકેપ 1.39 ટકા ઉછળ્યો હતો.

કુલ ટ્રેડેડ 3612 પૈકી 2350 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3612 પૈકી 2350 સ્ક્રીપ્સમાં સુધારો અને 1095 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું હતું.

એફઆઇઆઇની રૂ. 156.03 કરોડની નેટ ખરીદી રહી

વિદેશી રોકાણકારો દ્વારા 156.08 કરોડ અને સ્થાનિક રોકાણકારો દ્વારા 844.33 કરોડની નેટ ખરીદી રહી હોવાનું બીએસઇના ડેટા દર્શાવે છે.

ડોલર સામે રૂપિયો 80નો ડોસો થયો

બીજી તરફ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં સતત ઘસારાના કારણે રૂપિયો ઇન્ટ્રા-ડે 80ની સપાટી ગુમાવી 80.02 સુધી પહોંચ્યો હતો અને છેલ્લે 17 પૈસાના ઘટાડા સાથે 79.98 બંધ રહ્યો હતો.