આંધ્ર પ્રદેશ, ભારત, 8 જાન્યુઆરીઃ સ્વ. શ્રી તુલસી તંતીને અને આંધ્ર પ્રદેશ પ્રત્યે તેમની મજબૂત પ્રતિબદ્ધતાને શ્રદ્ધાંજલિ આપતા સુઝલોન ગ્રુપે ભારતના સૌથી મોટા ગ્રીન સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવા આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એપીએસએસડીસી) સાથે એમઓયુ કર્યો છે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમનો ઉદ્દેશ રિન્યૂએબલ એનર્જીમાં સ્કીલ ગેપ પૂરીને અને ગ્રીન જોબ તકો વધારીને ભવિષ્ય માટે તૈયાર માનવશ્રમ તૈયાર કરવાનો છે. આગામી ચાર વર્ષમાં આ પ્રોગ્રામ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, બ્લેડ ટેક્નોલોજી, મટિરિયલ મેનેજમેન્ટ, ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ અને લેન્ડ એન્ડ લાયઝનિંગ જેવા વિન્ડ પાવર મેન્યુફેક્ચરિંગના વિશિષ્ટ ક્ષેત્રોમાં 3,000 મહિલાઓ સહિત 12,000 યુવાનોને તાલીમ પૂરી પાડશે. આ ઉપરાંત સુઝલોન પવન ઊર્જા ઉદ્યોગમાં વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કન્ટેન્ટ અને આધુનિક સંશોધનને સંકલિત કરવા આઈટીઆઈ, ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો માટે પદ્ધતિસરનો અભ્યાસક્રમ બનાવશે અને યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરશે.

આઈટી અને માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી નર લોકેશે જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય આગામી પાંચ વર્ષોમાં 2 મિલિયન સ્થાનિક નોકરીઓ ઊભી કરવાનું, એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ તથા સેલ્ફ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનું તથા આર્થિક રીતે પછાત પરિવારોની આવક વધારવાનું છે.

સુઝલોન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેપી ચલસાણીએ જણાવ્યું હતું કે સ્વ. શ્રી તુલસી તંતીએ અનેકવાર રિન્યૂએબલ એનર્જીને સમર્પિત હોય તેવી યુનિવર્સિટી સ્થાપવાની કલ્પના કરી હતી, એક એવું સ્થળ જ્યાં ભારત આ ક્ષેત્રમાં તેની એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા માટે તે જે વૈશ્વિક સન્માન ધરાવે છે તેવી જ પ્રતિભાઓ ખીલવી શકે.

સુઝલોન ગ્રુપના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર રાજેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે આ સહયોગાત્મક પ્રયાસ દ્વારા સુઝલોન આંધ્ર પ્રદેશમાં પાંચ વ્યૂહાત્મક સ્થળોએ લર્નિંગ લેબ્સ સ્થાપશે અને 3-12 મહિનાના પ્રોગ્રામ ઓફર કરશે જે ક્લાસરૂમ અને પ્રત્યક્ષ તાલીમનો સમાવેશ કરશે. આ સેન્ટર્સ ઓનલાઇન અને ઓફલાઇન સ્કીલ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને જોબ પ્લેસમેન્ટ માટેના હબ બની રહેશે જે આ પરિવર્તનકારી પહેલની અસરને વધારશે. આ પહેલ 12,000 લોકોની કારકિર્દી બનાવીને ભવિષ્ય માટે ભારતના ટકાઉ વર્કફોર્સને આકાર આપવામાં સુઝલોનની ભૂમિકાને મજબૂત બનાવે છે.