મુંબઈ, 24 મે: સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં 35 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે હિંદુજા પરિવાર અને ગોપીચંદ હિંદુજાએ પાંચમી વખત ટોચનું સ્થાન મેળવ્યું છે.  ગોપીચંદ હિંદુજા હિંદુજા ગ્રુપના સહ-અધ્યક્ષ છે જે 108 વર્ષ જૂનું બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં યુનાઈટેડ કિંગડમમાં રહેતી ટોચની 1,000 વ્યક્તિઓ અથવા પરિવારોની ચોખ્ખી સંપત્તિની રેન્કિંગનું સંકલન કરવામાં આવે છે. જેમાં સૌથી ધનિકો લોકોના નામ અપાય છે.

હિન્દુજા પરીવારનો બિઝનેસ ઓટોમોટિવ, ફાઇનાન્સ, એનર્જી, હેલ્થકેર સેક્ટર્સમાં

હિંદુજા પરિવાર ઓટોમોટિવ, ફાઇનાન્સ, એનર્જી અને હેલ્થકેર સહિત વિવિધ ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. સંજોગોવશાત હિંદુજા ગ્રૂપના ચેરમેન  એસ પી હિંદુજાના નિધનના કલાકોની અંદર જ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ બહાર આવ્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા  ગોપીચંદ હિંદુજાએ જણાવ્યું કે, હું અને મારો પરિવાર પ્રતિષ્ઠિત સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવા બદલ ખૂબ આભારી છીએ. સામૂહિક પ્રયાસો, નિરંતર સમર્પણ અને હિન્દુજા પરિવારના દરેક સભ્ય દ્વારા દર્શાવવામાં આવેલી નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને અમારી સંસ્થાઓમાં રહેલી અસાધારણ ટેલેન્ટની સાબિતી તરીકે પણ કામ કરે છે. હિંદુજા પરિવારની નોંધપાત્ર વ્યવસાયિક સિદ્ધિઓ ઉપરાંત તેઓ હિંદુજા ફાઉન્ડેશન દ્વારા દાનકાર્યની પહેલોમાં પણ સક્રિયપણે જોડાયેલા રહે છે. હિંદુજા ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્ય અને સમુદાયના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રિચ લિસ્ટમાં અન્ય કોણ કોણ સમાવિષ્ઠ થયા છે….

ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં સામેલ અન્ય પ્રતિષ્ઠિત નામોમાં 29.688 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે સર જીમ રેટક્લિફ, 28.625 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે સર લિયોનાર્ડ બ્લાવટનિક, 24.399 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ડેવિડ અને સિમોન રૂબેન અને પરિવાર, 23 બિલિયન પાઉન્ડ સાથે સર જેમ્સ ડાયસન અને પરિવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત £16 બિલિયન ધરાવતો લક્ષ્મી મિત્તલ પરિવાર તથા ગાય, જ્યોર્જ, એલનાહ અને ગેલેન વેસ્ટનનો વેસ્ટન પરિવાર પણ આ લિસ્ટમાં સામેલ છે.