• 2022-23નો પ્રારંભ સેકન્ડરી માર્કેટમાં મંદીના ટોને પણ પ્રાઇમરી માર્કેટમાં તેજીનો માહોલ
  • રૂચિ સોયાનું લિસ્ટિંગ શુક્રવારે થશે, ગુરુવારના બંધ ભાવ સામે 50 ટકાએ લિસ્ટિંગનો આશાવાદ

નવા નાણાકીય વર્ષનો પ્રારંભ શેરબજારોમાં મંદીના ટોને થયો છે. પરંતુ પ્રાઇમરી માર્કેટમાં તા. 1 એપ્રિલે લિસ્ટેડ થયેલા ઉમા એક્સપોર્ટે નિષ્ણાતોની આગાહીને એપ્રિલ ફુલ બનાવવા સાથે 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોમાં આનંદ આનંદ આનંદ……ની લાગણી છવાઇ છે.

રૂ. 68ની ઈશ્યૂ પ્રાઈસ સામે કંપનીએ 18 ટકા પ્રિમિયમ રૂ. 80એ લિસ્ટિંગ કરાવ્યું હતું. ઉમા એક્સપોર્ટ્સે બીએસઈ ખાતે 5 ટકા અપર સર્કિટ સાથે 84ની ઓલટાઈમ હાઈ સપાટીએ બંધ આપી આઈપીઓ રોકાણકારોને 23.53 ટકા રિટર્ન આપ્યું છે. આ સાથે કંપનીની માર્કેટ કેપ 54 કરોડ વધી 284 કરોડ થઈ હતી. રૂ. 60 કરોડના આઈપીઓ માટે રિટેલ રોકાણકારોએ 10.11 ગણી (606.6 કરોડ) એપ્લિકેશન કરી હતી. NSE ખાતે શેર 17.35 ટકા ઉછળી 79.80 પર બંધ રહ્યો હતો.

વેરાન્ડા લર્નિંગે તારીખ બદલી 11 એપ્રિલ કરી

યર એન્ડિંગના કારણે બેન્કો બંધ રહેતાં વેરાન્ડા લર્નિંગે લિસ્ટિંગ તારીખ બદલી 11 એપ્રિલ કરી છે. અગાઉ 7 એપ્રિલે લિસ્ટિંગ થવાનું હતું. નોંધનીય છે કે, પબ્લિક ઈશ્યૂ પૂર્ણ થયાના છ દિવસની અંદર કંપનીએ એલોટમેન્ટ અને લિસ્ટિંગ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. 

રૂચિ સોયાનું લિસ્ટિંગ શુક્રવારે, 50 ટકા પ્રિમિયમની આશા

રૂચિ સોયાના રૂ. 4300 કરોડનો એફપીઓનું લિસ્ટિંગ આજે થશે. બંધ ભાવ મુજબ,  રૂ. 650ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રોકાણકારોને 50 ટકાથી વધુ રિટર્ન સાથે કમાણી કરાવી શકે છે. ગુરૂવારે શેર 8.49 ટકા વધી 818.85 પર બંધ રહ્યો હતો. અનેક વિવાદો બાદ અંતે પતંજલિ ગ્રુપ રૂચિ સોયાના એફપીઓનું લિસ્ટિંગ કરાવવામાં સફળ થશે. સેબીએ રૂચિ સોયાના એફપીઓમાંથી બહાર નીકળવાની તક આપી હોવા છતાં સબ્સ્ક્રિપ્શન 3.60 ગણુ રહ્યુ હતું.

અદાણી વિલમરમાં 41 દિવસમાં અઢી ગણુ રિટર્ન

ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી અદાણી વિલમરનો આઈપીઓ ટોપ પર્ફોર્મર રહ્યો છે. 8 ફેબ્રુઆરીએ લિસ્ટેડ અદાણી વિલમરના આઈપીઓમાં રૂ. 230ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 41 ટ્રેડિંગ દિવસમાં અઢી ગણુ અર્થાત 151.63 ટકા રિટર્ન છૂટ્યું છે. ગુરૂવારે 578.75 બંધ હતો. બીજી બાજુ એડવાન્સ ટેક્નોલોજી આધારિત કંપની એજીએસ ટ્રાન્સેક્ટ ટોપ લુઝર રહી છે. રૂ. 175ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 108.45 બંધ સાથે 38.3 ટકા ડિસ્કાઉન્ટમાં ટ્રેડેડ છે.

2022ના આઈપીઓનું પ્રદર્શન એક નજરે

આઈપીઓ                 પ્રાઈઝ              બંધ          +/-%

અદાણી વિલમર           230                579         +151.63

ઉમા એક્સપોર્ટ            68                  84           +23.53

વેદાંત ફેશન્સ             866                1014        +17.11

એજીએસ ટ્રાન્સેક્ટ         175                 108          -38.03

(આંકડા રૂ.માં સ્રોત: બીએસઈ)