માર્કેટ કરેક્શન મોડ પરઃ નિફ્ટીએ 18600ની સપાટી જાળવી
અમદાવાદઃ ભારતીય શેરબજારો ગુરૂવારે ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ કરેક્શન મોડ પર ચાલી રહ્યા છે. સેન્સેક્સમાં ગુરૂવારે ઓલટાઈમ હાઈ બંધ 63284.19 પોઈન્ટથી અત્યારસુધીમાં 658 પોઈન્ટનું કરેક્શન નોંધાયું છે. આજે સેન્સેક્સ વધુ 208.24 પોઈન્ટના ઘટાડા સાથે 62626.36 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટીએ કરેક્શનના માહોલમાં પણ 18600ની અતિ મહત્વની ટેકાની સપાટી જાળવી રાખી છે. નિફ્ટી 58.30 પોઈન્ટના ઘટાડા સાથે 18642.75 પર બંધ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ સર્વોચ્ચ સપાટી 290.47 લાખ કરોડથી નજીવી ઘટી 289.93 લાખ કરોડ થઈ હતી.
માર્કેટ બ્રેડ્થ 50-50
સેન્સેક્સ પેકની 30 પૈકી 15માં સુધારો અને 15 સ્ક્રિપ્સમાં ઘટાડા સાથે 50-50 માહોલ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે કુલ 3632 ટ્રેડેડ સ્ક્રિપ્સમાંથી 1596માં સુધારો અને 1899 સ્ક્રિપ્સ ઘટાડે બંધ રહી હતી. 144 સ્ટોક્સ આજે વર્ષની ટોચે પહોંચ્યા હતા. જ્યારે 22 સ્ટોક્સ વર્ષના તળિયે રહ્યા હતા. આગામી માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.
આ સેક્ટર્સમાં વેચવાલીનું પ્રમાણ વધુ રહ્યું
આઈટી સેક્ટરમાં છેલ્લા ઘણા સમયથી નબળા પ્રતિસાદને પગલે વેચવાલીનો માહોલ જળવાઈ રહ્યો હતો. આઈટી ઈન્ડેક્સ 1.36 ટકા, ટેલિકોમ્યુનિકેશન 1.07 ટકા, મેટલ 1.68 ટકા, અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.37 ટકા ઘટ્યો હતો.
સરકારી બેન્કોમાં ચાંદી-ચાંદી
બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટરના શેરોમાં છેલ્લા કેટલાય દિવસોથી તેજી જોવા મળી રહી છે. તેમાં ખાસ કરીને કેટલીક સરકારી બેન્કોના શેરના ભાવ રોજ નવી ટોચે પહોંચી રહ્યા છે. માર્કેટ નિષ્ણાતોએ બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટરના શેરોમાં આગામી વર્ષ સુધી તેજી રહેવાનો આશાવાદ આપ્યો છે.
આ બેન્કો ફરી નવી વાર્ષિક ટોચે
બેન્ક | બંધ | 52 વીક હાઈ | સુધારો (ટકામાં) |
SI BANK | 18.35 | 18.70 | 1.94 |
યુનિયન બેન્ક | 88.15 | 89.75 | 6.27 |
BOB | 174.45 | 176.10 | 1.42 |
BOI | 90.25 | 94.85 | 4.64 |
J&K બેન્ક | 54.35 | 54.85 | 5.84 |
ઈન્ડિયન બેન્ક | 292.70 | 294.40 | 2.95 |
IDBI બેન્ક | 58.60 | 59.90 | 8.02 |
પંજાબ નેશ. બેન્ક | 55.45 | 57.40 | 0.64 |
(સ્રોતઃ બીએસઈ)
પ્રતિકૂળ વૈશ્વિક સંકેતો વચ્ચે મેટલ્સ અને આઇટી શેરોમાં ભારે વેચવાલીથી સ્થાનિક બજારો નીચા રહ્યા હતા. જોકે, કોવિડ સંબંધિત સરળતા ચીનમાં પ્રતિબંધો, રશિયન તેલ પરના નવા પ્રતિબંધોએ વૈશ્વિક તેલ બજારોને અસ્થિર રાખ્યા છે. સ્થાનિક રોકાણકારો આરબીઆઈના નીતિ નિવેદનની રાહ જોઈ રહ્યા છે.