ઓરિયાના પાવરે રાજસ્થાનમાં તરતો સોલાર પ્લાન્ટ સ્થાપ્યો
અમદાવાદ, 21 એપ્રિલ : ઓરિયાના પાવર દ્વારા રાજસ્થાનના ઉદયપુરની ડાબોક માઈન્સમાં નવા 800kW AC/1MWp DC ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટને કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી. આ પ્રોજેક્ટ જેકે લક્ષ્મી સિમેન્ટની પેટા કંપની ઉદયપુર સિમેન્ટ વર્ક્સ લિમિટેડ (UCWL) માટે કાર્યરત કરવામાં આવ્યો છે.
ઓરિયાના પાવરના સહસ્થાપક અને ચીફ બિઝનેસ ઓફિસર અનિરુદ્ધ સારસ્વતે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ સૂર્ય ઊર્જા ઉપલબ્ધ રહે છે, અને એક વર્ષમાં સૌથી વધુ સૂર્યનો પ્રકાશ ધરાવતા રાજ્યોમાં આ રાજ્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં મોટા પ્રમાણમાં ખરાબાની સરકારી અને ખાનગી જમીનો ઉપલબ્ધ છે જ્યાં ખેતી થઇ શકતી નથી.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા વૈશ્વિક સ્તરે રાજસ્થાન સૌર ઊર્જા ઉત્પન્ન કરવાનું સૌથી વધુ સંભાવના ધરાવતું પસંદગીનું સ્થળ છે. આ પ્લાન્ટથી કુલ પાવર મિક્સમાં નવીનીકરણીય ઊર્જાની આવકમાં વધારો થશે અને અશ્મિભૂત ઇંધણ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટની સ્થાપના કરીને દર વર્ષે અંદાજે આઠ હજાર ક્યુબીક મીટર પાણીના બાષ્પીકરનને ઘટાડી શકાશે.
રાજસ્થાન સરકાર વર્ષ 2024-25 સુધીમાં 30 GW ક્ષમતાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક ધરાવે છે, જેના કારણે રાજ્ય અને દેશના વીજ ઉત્પાદનની પરિસ્થિતિ બદલાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન 142 GW સૌર ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.