મુંબઈ, 26 જુલાઈ: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (જેએફએસ) અને બ્લેકરોકએ જિયો બ્લેકરોક સંયુક્ત સાહસ રચવા માટે સંમત થયાની જાહેરાત કરી છે. સરખા હિસ્સે (50:50 ટકાની) ભાગીદારી ધરાવતું આ સંયુક્ત ટેક્નોલોજીના માધ્યમથી કિફાયતી, નવીનતમ રોકાણ સોલ્યુશન્સ ભારતમાં લાખો રોકાણકારો સુધી પહોંચાડવા માટે બ્લેકરોક અને જેએફએસની પરસ્પરની શક્તિઓ અને વિશ્વસનીય બ્રાન્ડ્સનું સંયોજન કરી રહ્યું છે. આ સંયુક્ત સાહસમાં જેએફએસ અને બ્લેકરોક બંને US$150 મિલિયનના પ્રારંભિક રોકાણનું લક્ષ્ય રાખી રહ્યા છે.

બ્લેકરોકના ચેર અને એપીએસીના હેડ રશેલ લોર્ડે કહ્યું કે જિયો બ્લેકરોક ભારતમાં લાખો રોકાણકારોના હાથમાં અમારી બંને કંપનીઓની સંયુક્ત તાકાત અને ક્ષમતાને પહોંચાડશે. જેએફએસના પ્રેસિડેન્ટ અને સીઇઓ હિતેશ સેઠિયાએ કહ્યું કે જેએફએસ અને બ્લેકરોક વચ્ચેની આ એક આકર્ષક ભાગીદારી છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ ભાગીદારી બ્લેકરોકની રોકાણ અને જોખમ વ્યવસ્થાપનમાં ઊંડી કુશળતાનો લાભ ઉઠાવશે અને ટેકનોલોજીની ક્ષમતા તથા જેએફએસની માર્કેટની ઊંડી સમજ થકી ઉત્પાદનોની ડિજિટલ ડિલિવરીને આગળ ધપાવશે. જિયો બ્લેકરોક નાણાકીય રોકાણ સોલ્યુશન્સનું લોકશાહીકરણ કરવાના અને દરેક ભારતીયના ઘરના દરવાજા સુધી નાણાકીય સુખાકારી પહોંચાડવાના વિઝનની સાથે ખરેખર પરિવર્તનશીલ, ગ્રાહક કેન્દ્રિત અને ડિજિટલ-પ્રથમ એન્ટરપ્રાઇઝ હશે. આ સંયુક્ત સાહસ નિયમનકારી અને વૈધાનિક મંજૂરીઓ મળ્યા બાદ કામગીરી શરૂ કરશે. કંપનીની પોતાની મેનેજમેન્ટ ટીમ હશે.