ગિફ્ટ IFSCથી શિપ લીઝિંગનો પ્રારંભ, રિપ્લે શિપિંગ ઈન્ડિયાએ ગિફ્ટ IFSCથી પ્રથમ વેસલ લીઝ કર્યું
ગાંધીનગર, 27 જુલાઈ: રિપ્લે શિપિંગ ઇન્ડિયા IFSC પ્રાઇવેટ લિમિટેડ (RSIIPL)એ IFSC યુનિટથી તેની પ્રથમ શિપ/જહાજની આયાત અને લીઝ કર્યું છે. એમવી રિપ્લે પ્રાઈડ એ બલ્ક કેરિયર (પેનામેક્સ) છે જેનું નિર્માણ 2003માં જાપાનમાં આશરે 76,858 DWT વહન ક્ષમતા સાથે કરવામાં આવ્યું હતું. જહાજની એકંદર લંબાઈ (LOA) 225 મીટર અને પહોળાઈ 32.26 મીટર છે. ગિફ્ટ IFSC દ્વારા ક્લિયર કરાયેલું આ પ્રથમ શિપ/જહાજ છે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ જણાવ્યું હતું કે, આ બાબત ભારતીય કિનારાઓથી મેરીટાઈમ સેક્ટરમાં વૃદ્ધિ અને રોકાણની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરે છે અને ગિફ્ટ સિટીને ભારતના જહાજ લીઝિંગ અને ધિરાણની તકોનો લાભ લેવા માંગતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાન આપે છે.
રિપ્લે ગ્રૂપના પ્રમોટર અને સીઈઓ શૌમિક બોઝે જણાવ્યું હતું કે, અમે અમારા ગિફ્ટ IFSC યુનિટમાંથી વધુ શિપ/જહાજો લીઝ પર આપવા/ચાર્ટર્ડ કરવા માટે કામ કરી રહ્યા છીએ. રિપ્લે ગ્રુપ ભારત, યુએઈ અને સિંગાપોર સહિત વિશ્વના વિવિધ ભાગોમાં હાજરી ધરાવે છે. દર વર્ષે ભારત વિદેશી શિપિંગ કંપનીઓને દરિયાઈ નૂર માટે લગભગ 75 અબજ યુએસ ડોલર ચૂકવે છે. ગિફ્ટ IFSC તરફથી શિપ લીઝિંગ અને ફાઇનાન્સિંગ બિઝનેસના પ્રમોશન સાથે ભારત આવનાર સમયમાં આ સેગમેન્ટમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા માટે તૈયાર છે.