અમદાવાદ, 5 નવેમ્બરઃ સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) નાણાકીય પુનઃરચનાના ભાગરૂપે તેની પેટા કંપની OPALમાં આશરે રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે. જે ગેસ યુટિલિટી ગેઇલને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી બહાર કરશે. ONGC હાલમાં ONGC પેટ્રો-એડિશન્સ લિમિટેડ (OPaL)માં 49.36 ટકા હિસ્સો ધરાવે છે, જે ગુજરાતમાં દહેજ ખાતે મેગા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું સંચાલન કરે છે. ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ પાસે 49.21 ટકા અને ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ કોર્પોરેશન (GSPC) પાસે 1.43 ટકા હિસ્સો છે.

ONGC બોર્ડે ગયા અઠવાડિયે પેટ્રોકેમિકલ ફર્મના નાણાકીય પુનર્ગઠનને મંજૂરી આપી હતી. જે તેના ઊંચા દેવાને કારણે ખોટ કરી રહી હતી. જેને ધ્યાનમાં લેતાં ONGC શેર વોરંટને ઈક્વિટીમાં રૂપાંતરિત કરશે, ડિબેન્ચર્સ બાયબેક કરી રૂ. 7,000 કરોડ વધુ ઈક્વિટીમાં રોકાણ કરશે, જેનાથી ઓપલમાં તેનો હિસ્સો 95 ટકા થશે, એમ કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.

મંજૂર કરાયેલ દરખાસ્તમાં “OPaL દ્વારા જારી કરાયેલા શેર વોરંટનું રૂપાંતર અને ONGC દ્વારા રૂ. 86.281 કરોડના ફાઇનલ કોલ મની ચૂકવવા પર વોરંટ દીઠ રૂ. 0.25ના દરે ઇક્વિટી શેરમાં સબસ્ક્રાઇબ કરવાનો સમાવેશ થાય છે.ય ઉપરાંત, “ONGC રૂ. 7,778 કરોડના ફરજિયાત કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (CCD)ની ખરીદી કરશે.”

ONGCના બેકસ્ટોપિંગ સપોર્ટ સાથે OPaL દ્વારા જારી કરાયેલ CCDs હાલમાં નાણાકીય સંસ્થાઓ પાસે છે. ONGC OPALની ઇક્વિટી/અર્ધ-ઇક્વિટી સિક્યોરિટીમાં પણ રૂ. 7,000 કરોડનું રોકાણ કરશે, એમ તેણે જણાવ્યું હતું. અમલીકરણ પછી, OPAL ONGCની પેટાકંપની બની જશે. નાણાકીય પુનર્ગઠન “OPaLમાં ONGCનું હોલ્ડિંગ વધારશે અને OPaL વધુ નફાકારક બનશે,” સંપાદનનો કુલ ખર્ચ રૂ. 14,864.281 કરોડ થશે.

હજીરા ખાતે ONGC દ્વારા ઉત્પાદિત નેપ્થા તેમજ દહેજ ખાતે આયાત કરવામાં આવતા સમૃદ્ધ ગેસનો ઉપયોગ કરવા માટે OPaLને 15 નવેમ્બર, 2006ના રોજ એક મેગા, ગ્રાસરૂટ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.

ગેઇલે 2008માં OPaLમાં હિસ્સો લીધો હતો, તે સમયે દહેજ ખાતે મેગા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું નિર્માણ કરી રહી હતી. પરંતુ આ પ્રોજેક્ટને મોટા ખર્ચ અને વિલંબનો સામનો કરવો પડ્યો અને ગેઇલે તેના ઇક્વિટી યોગદાનને મૂળ રૂ. 996.28 કરોડ સુધી મર્યાદિત કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્લાન્ટમાં રૂ. 12,440 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો, તે લગભગ રૂ. 30,000 કરોડના ખર્ચે 2017માં જ પૂર્ણ થયો હતો. ગેઇલ અને GSPC હવે OPAL પછીના નાણાકીય પુનર્ગઠનમાં લગભગ 5 ટકા હિસ્સો રાખશે.