અમદાવાદ, 2 નવેમ્બરઃ દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી લોકલ કરન્સી બોન્ડ દ્વારા ફંડ એકત્ર કરવા માંગે છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્થાનિક કરન્સી બોન્ડના વેચાણ દ્વારા 150 અબજ રૂપિયા ($1.8 બિલિયન) એકત્ર કરવાનું વિચારી રહી હોવાનું પરિચિત લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જો આ વ્યવહાર પૂર્ણ થાય છે, તો તે રિલાયન્સ માટે કરન્સીના સંદર્ભમાં અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ હશે. માહિતી અનુસાર, 2020 પછી આ ગ્રૂપનો પ્રથમ લોકલ બોન્ડ ઈશ્યુ પણ હશે. જો કે, કંપનીના પ્રતિનિધિએ આ બાબતે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ બજાર મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની છે, જે પેટ્રોકેમિકલ રિફાઇનિંગથી લઈને વાયરલેસ સંચાર સેવાઓ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સુધી વિસ્તરિત છે. 5Gમાં ઝડપથી વિસ્તરણની સાથે તેણે ગ્રીન એનર્જી, નાણાકીય સેવાઓ જેવા નવા ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે.

રિલાયન્સ રિટેલે આ વર્ષે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને હિસ્સો વેચ્યો હતો અને યુનિટે KKR એન્ડ કંપની પાસેથી ફંડ મેળવ્યુ હતું. વૈશ્વિક સ્તરે વ્યાજ દરો 22 વર્ષની ટોચે હોવાથી છેલ્લા બે વર્ષમાં ભારતમાં ધિરાણ ખર્ચ વધ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ભારતના CRISIL રેટિંગ્સ દ્વારા AAA ક્રેડિટ સ્કોર મળ્યો છે. જે ટાટા મોટર્સ લિમિટેડના AA રેટિંગ કરતા વધારે છે. પરંતુ મૂડીઝ અને ફિચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અનુક્રમે Baa2 અને BBB રેટિંગ આપ્યું છે. જે ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડના સૌથી નીચા રેટિંગ્સ છે.