એક્ઝિટ પોલ એક્ઝેટ પોલ નહોતા… https://businessgujarat.in/ ની ધારણા મુજબ નિફ્ટીએ 22000ની સપાટી તોડી
સેન્સેક્સ 4390 પોઇન્ટ તૂટી 72079 પોઇન્ટ અને નિફ્ટી 1379 પોઇન્ટ તૂટી 21885 પોઇન્ટના તળિયે | સેન્સેક્સ 5.74 ટકા અને નિફ્ટી 5.93 ટકાના કડાકા સાથે છેલ્લા ચાર વર્ષનો સૌથી મોટો કડાકો |
રોકાણકારોની રૂ. 30 લાખ કરોડથી વધુ સંપત્તિ સ્વાહા થઇ ગઇ એક જ દિવસમાં
તા. 3 જૂનની સવારે અહીંથી પ્રગટ થયેલી આ પોસ્ટ તમે વાંચેલી હતી…..??
અમદાવાદ, 4 જૂનઃ એક્ઝિટ પોલ અને એક્ઝેટ પરીણામ વચ્ચે આસમાન-જમીનનું અંતર જોયા પછી શેરબજારોમાં 4થી જૂનનો દિવસ લોહીયાળ સાબિત થયો હતો. સિંગલ પાર્ટી તરીકે ઇવન ભાજપ પણ બહુમતીથી દૂર રહેતાં બજારમાં ઘોર નિરાશાનું વાતાવરણ રહેવા સાથે નિફ્ટી 50 ઇન્ડેક્સે 23 માર્ચ, 2020 (કોવિડ લોકડાઉન ક્રેશ દરમિયાન) પછીનો સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો નોંધાવ્યો હતો.
ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટી 1,982.45 પોઈન્ટ ઘટીને 21,281.45ની નીચી સપાટીએ ગયો, જ્યારે સેન્સેક્સ 6,234.35 પોઈન્ટ ઘટીને 70,234.43 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બન્ને ઇન્ડેક્સ દિવસ દિવસ દરમિયાન 8 ટકા નીચે હતા, જે ફેબ્રુઆરી 2022 પછીનો સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો હતો. બંધ સમયે, સેન્સેક્સ 4,389.73 પોઈન્ટ અથવા 5.74 ટકા ઘટીને 72,079.05 પર અને નિફ્ટી 1,379.40 પોઈન્ટ અથવા 5.93 ટકા ઘટીને 21,884.50 પર હતો.
આજના ઘટાડામાં, રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 30 લાખ કરોડનો ઘટાડો થયો છે, કારણ કે BSE- લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 395.99 લાખ કરોડ થઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 425.91 લાખ કરોડ હતી.
ઈન્ડિયા વીઆઈએક્સ 50 ટકાના ઉછાળા સાથે ઈન્ટ્રાડેમાં 31થી ઉપર પહોંચ્યો હતો. વોલેટિલિટી ઇન્ડેક્સમાં ઓછામાં ઓછા નવ વર્ષમાં આ સૌથી મોટો ઉછાળો હતો.
નિફ્ટીમાં મોટા લૂઝર્સ | નિફ્ટીમાં મોટા ગેઇનર્સ |
અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, ઓએનજીસી, એનટીપીસી અને એસબીઆઈ | HUL, નેસ્લે, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ |
મોટાભાગના ઇન્ડાઇસિસ 10 ટકા આસપાસ તૂટ્યા
એફએમસીજી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો રિયલ્ટી, ટેલિકોમ, મેટલ, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, પીએસયુ બેંક પ્રત્યેક 10 ટકાથી વધુ ઘટ્યા હતા. BSE મિડકેપ ઇન્ડેક્સ 8 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 7 ટકા ઘટ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ ઈન્ટ્રાડે ધોરણે 46,077.85ની નીચી સપાટીએ પહોંચ્યા પછી આઠ ટકા નીચામાં 46,928.60 પર બંધ થયો હતો.
નિફ્ટી માટે નજીકનો સપોર્ટ 21600 અને રેઝિસ્ટન્સ 22500 રહી શકે
ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ બીગ રેડ કેન્ડલ બનાવી છે. જે બજારોમાં ભારે નિરાશાવાદ સૂચવે છે અને તેની અસર આવતીકાલે પણ ચાલુ રહેવાની શક્યતા છે. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 21,600 આસપાસ જણાય છે. 22,500નું સ્તર મજબૂત રેઝિસ્ટન્સ રહેવાની સંભાવના છે. બૅન્ક નિફ્ટી પણ રાઇઝિંગ ચેનલથી તૂટી ગયો છે જે વલણમાં ફેરફાર સૂચવે છે. તે જોતાં બેન્ક નિફ્ટી માટે મહત્વની રેઝિસ્ટન્સ લેવલ્સ 48600 – 49200 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવા ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)